મતદાનમાં કોંગ્રેસ પરાસ્ત થતાં માંડવી તા.પં.માં શાસન ફરી ભગવા પક્ષની ઝોળીમાં

મતદાનમાં કોંગ્રેસ પરાસ્ત થતાં માંડવી  તા.પં.માં શાસન ફરી ભગવા પક્ષની ઝોળીમાં
માંડવી, તા. 20 : અહીંની તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખનો બીજા સત્ર માટેનો પદભાર વહન કરવા માટે ચૂંટણી નોબત અનિવાર્ય બનતાં આજે પ્રમુખપદે ગંગાબેન કલ્યાણજીભાઈ સેંઘાણી અને ઉપાધ્યક્ષ સ્થાને રાણશીભાઈ (રાજેશ) હરજી ગઢવી કોંગ્રેસના પ્રતિ સ્પર્ધીઓને શિકસ્ત આપી વિજેતા બન્યા હતા. 20ના જનરલ બોર્ડમાંથી 19 સદસ્યોએ ઉપસ્થિત રહી મતદાન કરતાં 13 વિરુદ્ધ 6 મતે કમળની પાંખડીઓ ખીલી હતી. કોંગ્રેસી સદસ્યા કાઉબેન વી. રબારી સભાથી વેગળા રહ્યા હતા. વિજેતા સૂત્રધારોએ સર્વાંગી વિકાસનો કોલ આપ્યો હતો. આજે સવારે તાલુકા પંચાયત ખાતે યોજાયેલી ચૂનાવી સામાન્ય સભામાં લોકશાહી ઢબે બળાબળના પારખાં કરાતાં ભાજપાના ઉમેદવારોની ઝોળીમાં અકબંધ (13) મતો પડયા હતા. કોંગ્રેસ પક્ષે 7ના સંખ્યાબળ સામે એક મતની ઘાટી થતાં 6 મતો નસીબ થયા હતા. વિપક્ષ કોંગ્રેસના કિશોરદાન જેન્તીદાન ગઢવીએ પ્રમુખપદ માટે જ્યારે વિનેશગિરિ દામોદરગિરિ ગોસ્વામીએ ઉપપ્રમુખસ્થાન માટે પરાભવ ખમવો પડયો હતો. રાજકીય રીતે પ્રમાણમાં વધુ જાગૃત અને બોલકા આ તાલુકામાં આજે સવારથી બંને પક્ષોના કાર્યકરોના ટોળાં એકઠાં થવા લાગ્યા હતા. સલામતી અને સુગમતાના કારણોવસાત પરિસરને સંબંધિતો સિવાય પ્રવેશ પ્રતિબંધિત કરાતાં પાસેની જળસિંચન કચેરી અને રોડ ઉપર જિજ્ઞાસુઓ ટોળે વળ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી અને ચૂંટણી અધિકારીનો મુખત્યાર વહન કરનારા ડો. પી.કે. સુવર્ણકારે મતદાનની પ્રક્રિયા હાથ ધરતાં મહિલા અનામતની બેઠક પર પ્રથમ સત્રમાં અધ્યક્ષ સ્થાને રહેલા ગંગાબેન કે. સેંઘાણી 33મા પ્રમુખપદે રિપીટ થયા હતા. કારોબારી સમિતિના ચેરમેન રાણશીભાઈ (રાજેશ) હરજી ગઢવી પ્રતિદ્વંદ્વીને પછાડી ઉપાધ્યક્ષ પદે વિજેતા થયા હતા. સત્તાપક્ષે તાલુકા ભાજપના પ્રમુખ ચંદુલાલ વાડિયા, પક્ષના પ્રભારી રેખાબેન રમેશભાઈ દવે, શહેર ભાજપના પ્રમુખ અરવિંદભાઈ ગોહિલ, તા.પં.ના પૂર્વપ્રમુખ હરિભાઈ શામળા ગઢવી, એ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન નારાણભાઈ ચવાણ (પટેલ), અમૂલભાઈ દેઢિયા, તા. ભાજપના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, મુસ્તાક હાલા ન.પા.ના ઉપાધ્યક્ષા ગીતાબેન પી. રાજગોર, ભૂપતભાઈ જોશી, સન્મુખસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, બિદડાના સરપંચ સુરેશભાઈ સંઘાર વગેરે ઉપરાંત કોંગ્રેસના જિ.પં.ના સદસ્ય અમૃતભાઈ પટેલ, તા. કોંગ્રેસ પ્રમુખ દશરથસિંહ જાડેજા, ચતુરસિંહ જાડેજા. ન.પા. વિપક્ષી નેતા રફીકભાઈ શેખ, પ્રકાશ ગઢવી, વલ્લભભાઈ વેલાણી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ કાર્યકરોએ માહોલ માણ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer