વિકાસનાં બાકી કાર્યો આગળ ધપાવાશે

વિકાસનાં બાકી કાર્યો આગળ ધપાવાશે
મુંદરા, તા. 20 :  કંઠીપટ્ટની મુંદરા તાલુકા પંચાયત અપેક્ષા મુજબ ભાજપે જાળવી રાખી છે અને આજે તાલુકા પંચાયતના સભાખંડમાં પદાધિકારીઓની વરણી મુદે્ મળેલી સભામાં દશુબા નટુભા ચૌહાણને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ખેંગાર કરશન ગઢવીની બિન હરીફ વરણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગઇકાલે કોંગ્રેસના બન્ને ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતાં આજે માત્ર ઔપચારિકતા બાકી રહેવા પામી હતી. બેઠકના પ્રારંભમાં તા. વિ.  અધિકારી બી. જે. વાયડાએ આવકારી બેઠકનો હેતુ સમજાવ્યો હતો. જ્યારે પ્રાંત અધિકારી ડો. એ. કે. વસ્તાણીએ જાહેરાત કરી હતી. પ્રમુખ-ઉપપ્રમુખના એક એક નામોની જ દરખાસ્ત હોવાથી તેમને બીનહરીફ જાહેર કર્યા હતા. ત્યારબાદ નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી સત્કારવામાં આવ્યા હતા. નવા વરાયેલા પ્રમુખ  દશુબાએ જણાવ્યું હતું કે, ભાજપના અનુભવી અને વહીવટમાં નિપુણતા ધરાવતા લોકો સાથે રહીને અઢી વર્ષ સુધી છેવાડાના લોકોના પ્રશ્નોને ઉકેલવામાં પ્રયત્નશીલ રહીશ. અને વિકાસના બાકી રહેલા કાર્યોને સૌનો સાથ લઇ આગળ વધારશું. તા.પં.ના પૂર્વપ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ડાહ્યાલાલ આહીર, નિરીક્ષક જે.પી. મહેશ્વરી, કીર્તિભાઇ રાજગોર, તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઇ ટાપરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ તરફી સરપંચો અને આગેવાનોએ ફટાકડા ફોડી મોં મીઠા કરી પરસ્પર અભિનંદન પાઠવ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer