અંજાર તા.પં.માં સંઘડ બેઠકનો દબદબો

અંજાર તા.પં.માં સંઘડ બેઠકનો દબદબો
અંજાર, તા. 20 : આજે અંજાર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેને લઈને આજે ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળ્યો હતો. કશીક નવાજૂની બનવાના એંધાણ દેખાતા હતા કેમ કે ભાજપના ઉમેદવારો સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી. પંચાયત કાર્યાલયમાં આજે સવારે 11 વાગે પ્રાંત અધિકારી વિજય રબારીની અધ્યક્ષતામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રમુખપદ માટે ભાજપ વતી ગોવિંદભાઈ સામત ડાંગર જ્યારે કોંગ્રેસ વતી ભગુભાઈ વરચંદ તેમજ ઉપપ્રમુખ પદ માટે ભાજપ વતી જ્યોત્સનાબેન દાસ તો કોંગ્રેસ તરફથી કુલસુમબાનુ રાયમાએ દાવેદારી નોંધાવી હતી. થયેલી મતદાન પ્રક્રિયામાં ભાજપના બંને ઉમેદવાર 11 વિરુદ્ધ 7 મતથી વિજયી બન્યા હતા. અને આમ અંજાર તા.પં. પર ફરી કેસરિયો લહેરાયો હતો. પ્રમુખ પદ માટેના ઉમેદવાર ગોવિંદભાઈ સંઘડ સીટ પરથી વિજયી છે. ઉલ્લેખનીય છે કે અંજાર તાલુકા પંચાયતમાં સંઘડ સીટનું મહત્ત્વ રહ્યું છે. કારણ કે એ બેઠક પરથી વિજયી બનેલા ઉમેદવાર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હોય એવો આ ત્રીજો બનાવ છે. અંજાર તાલુકા પંચાયતમાં યોજાયેલી બેઠકમાં જીવાભાઈ આહીર, તાલુકા ભાજપ પ્રમુખ શંભુ મ્યાત્રા, રણછોડભાઈ આહીર, કાનજીભાઈ આહીર, ગોવિંદ કોઠારી, મશરૂ રબારી, વિપક્ષી નેતા રમેશ ડાંગર, અરજણ ખાટરિયા, રસિકબા જાડેજા, મનજી આહીર, ગોપાલ માતા, ધનજી બકુત્રા, મંજુલાબેન પરમાર સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer