નખત્રાણા તા.પં.માં ભાજપની ચિંતા ટળી : પ્રમુખ અને ઉપપ્રમુખ બંને મહિલા ચૂંટાયાં

નખત્રાણા તા.પં.માં ભાજપની ચિંતા ટળી  : પ્રમુખ અને ઉપપ્રમુખ બંને મહિલા ચૂંટાયાં
નખત્રાણા, તા. 20 : અહીં તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખનાં પદ માટે પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ એ. ઝાલા, તાલુકા વિકાસ અધિકારી શૈલેશભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી અને આ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના આ પદના ઉમેદવાર નયનાબેન ધીરજલાલ પટેલ પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે જ્યોત્સનાબા રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી થતાં તાલુકા પંચાયત શાસક ભાજપ પાસે રહી હતી. સભાખંડમાં અધિકારીઓ, તાલુકા પંચાયતના ભાજપ  તથા કોંગ્રેસના સભ્યોની પદાધિકારીઓ, હોદ્દેદારો કાર્યકરોની ઉપીસ્થતિમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં સભ્યોએ હાથ ઊંચા કરી પોતાનો મત આપ્યો હતો.પ્રથમ કોંગ્રેસના સભ્યોએ પ્રમુખપદના ઉમેદવાર અમીનાબેન ઓસમાણ સુમરાનું નામ બોલતાં એક પણ સભ્યે હાથ ઊંચો કરી મત ન આપતા તેમને એક પણ મત મળ્યો ન હતો.  ત્યારબાદ ભાજપના આ પદના ઉમેદવાર નયનાબેન પટેલનું નામ બોલતાં ભાજપના 11 જેટલા સભ્યોએ તેમને હાથ ઊંચા કરી મત આપ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના આ પદના ઉમેદવાર  દમયંતીબેન વસંતલાલ ખેતાણીનું નામ બોલાતાં તેમને આઠ જેટલા કોંગ્રેસના સભ્યોએ મત આપ્યા હતા. આમ, નયનાબેનની અઢી વર્ષના બીજા સત્ર માટે તાલુકા પંચાયતના  પ્રમુખ તરીકે વરણી થઈ હતી, તો ઉપપ્રમુખની ચૂંટણી માટે કોંગ્રેસના આદમ લાંગાયે ફોર્મ ભર્યું હતું તેમને પણ આઠ મત મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે જ્યોત્સનાબા રાજેન્દ્રસિંહ જાડેજાને 11 મતો મળતાં ફરી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકે વરણી માટે બંને પક્ષ કોંગ્રેસ તથા ભાજપ તરફથી રાજકીય કાવાદાવા ચાલી રહ્યા હતા અને ગઈકાલે પણ ફોર્મ?ભરવાના સમયે ભાજપમાં થોડીક માથાકૂટ થઈ હતી, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડી રહેતાં તાલુકા પંચાયત ભગવા પક્ષે જાળવી રાખી છે. આજે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સમયે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયનાબેન જ્યોત્સનાબા રાજેન્દ્રસિંહ જાડેજાએ સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડી તાલુકાના સર્વાંગી વિકાસનો કોલ આપ્યો હતો. આજે તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજેશભાઈ પલણ, મમુભાઈ આહીર, ચંદનસિંહ રાઠોડ, મોટી સંખ્યામાં ભાજપ- કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી કચેરીના શિરસ્તેદાર  પીરદાનસિંહ સોઢા, તાલુકા પંચાયતના કે.કે. પટેલ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  શાંતિથી ચૂંટણી સંપન્ન થઈ હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer