અબડાસા તા.પં.માં પ્રમુખ-ઉપપ્રમુખની સત્તાવાર જાહેરાત થતાં કાર્યભાર સંભાળ્યો

અબડાસા તા.પં.માં પ્રમુખ-ઉપપ્રમુખની  સત્તાવાર જાહેરાત થતાં કાર્યભાર સંભાળ્યો
નલિયા, તા. 20 :  તાલુકા પંચાયત અબડાસાના પ્રમુખ અને ઉપપ્રમુખના ગઇકાલે નામાંકન ફોર્મ  ભરાયા  પછી  આ  બંને હોદાઓ માટે  એક-એક  ફોર્મ ભરાતાં  પ્રમુખ  અને  ઉપપ્રમુખ પદનાં હોદા  માટે અનુક્રમે અજબાઇ માલશી ગોરડિયા અને હકૂમતસિંહ જુવાનસિંહ જાડેજાનાં નામોની સત્તાવાર જાહેરાત કરાતાં આ હોદેદારોએ પોતાનાં હોદાનો કાર્યભાર સંભાળી લીધો હતો. અધ્યાશી અધિકારી અને પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાનાં પ્રમુખસ્થાને આજે બપોરે મળેલી બેઠકમાં નવા પ્રમુખ અજબાઇના (અનુજાતિ સામાન્ય) નામની સત્તાવાર જાહેરાત થઇ હતી. તા.પં.ના એકંદર 18 સભ્યો પૈકી 4 સભ્યોની ગેરહાજરી રહી હતી. જેમાં રાવલ -મીસરી જત હાજુબાઇ ઉંમર નોડે, ગીતાબેન શંકરલાલ નાખુઆ, ફાફુબેન ઉમર સંઘારનો સમાવેશ થાય છે. તા.ભાજપના પ્રમુખ ઉમરશીભાઇ ભાનુશાલી, જિ.પં. પૂર્વ સદસ્ય અનિરુદ્ધસિંહ જાડેજા, વિદાય લેતા પ્રમુખ અને ઉપપ્રમુખ ઉષાબા જાડેજા, સાલેમામદ મંધરા, તા.પં. કારોબારી ચેરમેન મહેશોજી સોઢા, શાસક જૂથનાં નેતા અરજણભાઇ ભાનુશાલી, જયદીપસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, વિપક્ષી નેતા  અબ્દુલ  ગજણ  ઉપરાંત તા.પં.ના  સદસ્યો  રાજકીય પક્ષનાં હોદેદારો વગેરેની ઉપસ્થિતિ રહી હતી.નવનિર્વાચિત પ્રમુખ અને ઉપપ્રમુખે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને નલિયા ત્રિભેટે આવેલા જામ અબડા અડભંગના ગૌણ સ્મારક પર ફૂલ-હાર ચડાવ્યા હતા. નવનિયુક્ત હોદેદારોનાં સમર્થકોએ વાજતે-ગાજતે વિજય સરઘસ કાઢયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer