કચ્છમાં ચાર જિંદગી પર અકાળે પૂર્ણવિરામ

ગાંધીધામ, તા. 20 : શહેરના ઓસ્લો નજીક નારીચણિયા હનુમાન મંદિર પાસે બોલેરો જીપ અને બાઇક ભટકાતાં સિદ્ધેશ્વર રેસીડેન્સી મેઘપર કુંભારડીના ધીરજકુમાર જેઠાલાલ ઉમરાણિયા (ઉ.વ. 56)નું મોત થયું હતું. તેમજ સામખિયાળી નજીક અજાણ્યા વાહનની હડફેટે ચડતાં રાજકોટના કિશોર કુમાર હિંમતલાલ જોશી (ઉ.વ. 53)એ જીવ ખોયો હતો. નખત્રાણામાં ટ્રક અને બાઇક અથડાતાં ઉખેડાના મનોજ પ્રેમજી સીજુ (ઉ.વ. 22) નામના યુવાનનું અકાળે મોત થયું હતું. જ્યારે બીજી બાજુ માંડવી ગોકુલવાસમાં રહેનાર દીપાબેન જેઠાલાલ ડુંગરખિયા (ઉ.વ. 19) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. ગાંધીધામના નારીચણિયા હનુમાન મંદિર પાસે ગેરેજ ધરાવતા ધીરજ ઉમરાણિયા નામના આધેડ બાઇક નંબર જી.જે. 12-એ.એમ.3339 વાળું લઇ પાણીની બોટલ સાથે રાખીને પાણી લેવા જઇ રહ્યા હતા. દરમ્યાન આજે બપોરે જી.આઇ.ડી.સી. બાજુ જતાં માર્ગ ઉપર બોલેરો જીપ નંબર જી.જે. 12-સી.બી. 3046ની હડફેટે ચડતાં આ આધેડને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત થયું હતું. બીજી બાજુ સામખિયાળી મોરબી ધોરી માર્ગ ઉપર અમીજરા હોટેલની સામે અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, કિશોર કુમાર નામના આધેડ પગપાળા જઇ રહ્યા હતા. દરમ્યાન કોઇ અજાણ્યા વાહનની હડફેટે ચડતાં તેમનું  મોત થયું હતું. અમારા નખત્રાણા બ્યૂરોના અહેવાલ મુજબ, નખત્રાણા ખાતે એસ.ટી. નિગમના યંત્રાલય પાસે આજે બપોરે ટ્રકની હડફેટે બાઇક આવી જતાં દ્વિચક્રીના ચાલક ઉખેડા ગામના મનોજ પ્રેમજી સીજુ (ઉ.વ. 22)નો જીવનદીપ બુઝાઇ ગયો હતો. ભુજ તરફથી આવી રહેલું બાઇક જી.જે. 12 સી.બી. 6994 સામેથી આવી રહેલી જી.જે. 12 એ.ઝેડ. 8850 નંબરની ટ્રક તળે આવી જતાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.  પોલીસના જણાવ્યા મુજબ, ગંભીર રીતે ઘવાયેલા મનોજ સીજુને સારવાર પણ નસીબ થઇ ન હતી. ટ્રકની ટક્કર એટલી તીવ્ર હતી કે  બાઇકનો બૂકડો બોલી ગયો હતો. પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન, બંદરીય શહેર માંડવીમાં દીપાબેન જેઠાલાલ ડુંગરખિયા (ઉ.વ. 19)ની અકળ આત્મહત્યાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે આ સંદર્ભે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગોકુળવાસમાં રહેતી આ હતભાગી યુવતી ગઇકાલે સાંજે તેના ઘરમાંથી દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતી મળી આવી હતી. બાદમાં આ વિશે મૂળજીભાઇ શામજીભાઇ ડુંગરખિયાએ પોલીસને જાણ કરી હતી. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી બનાવ પછવાડે નિમિત્ત બનેલાં કારણો સહિતની છાનબીન હાથ ધરી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer