ગાંધીધામમાં પાલિકાએ હિંમત ન કરી પણ મામલતદારે 49 દબાણો દૂર કરી દીધાં !

ગાંધીધામમાં પાલિકાએ હિંમત ન કરી પણ  મામલતદારે 49 દબાણો દૂર કરી દીધાં !
ગાંધીધામ, તા. 20 : શહેરની કોર્ટ પાછળ આવેલા ડીસી-5 પાંજો ઘર વિસ્તારમાં થયેલાં 49 કાચાં-પાકાં દબાણો ઉપર મામલતદાર કચેરીએ બુલડોઝર ફેરવી આવાં દબાણો દૂર કર્યાં હતાં. આ વેળાએ પાલિકાએ આમાંથી કાંઇક શીખ મેળવવી જોઇએ તેવી ચર્ચાએ જોર પકડયું હતું. ભયાનક ભૂકંપમાં ઘર- વિહોણા થયેલા લોકો માટે  ગાંધીધામ, આદિપુર વચ્ચે ડીસી-5 પાંજો ઘર વિસ્તાર વિકસાવવામાં આવ્યો હતો. ધીમે- ધીમે આ વિસ્તારમાં દબાણોએ જોર પકડયું હતું. દેખાદેખીમાં લોકો પોતાનાં દબાણો આગળ વધારતા ગયા હતા. દરમ્યાન, ભૂકંપ વખતે ઘર- વિહોણા થયેલા એક અરજદારે આ વિસ્તારમાં પ્લોટની માગણી કરી હતી, પરંતુ પ્લોટની ફાળવણી થતી નહોતી તથા તેમના પ્લોટ ઉપર કોઇએ સંડાસ, બાથરૂમ, બગીચો વગેરે બનાવી નાખ્યા હતા. આ અંગે જિલ્લા સમાહર્તાને અરજદારે રજૂઆત કરી હતી, જેના પગલે અંજાર પ્રાંત અધિકારી આ વિસ્તારની મુલાકાત લઇ તપાસ કરી ગયા હતા, જેમાં અનેક લોકોએ કાચાં- પાકાં દબાણો કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આવા 49 દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી અને આજે પોલીસ બંદોબસ્ત સાથે આ કાચાં-પાકાં દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ વેળાએ બે બુલડોઝર બગડી જતાં ત્રીજા વાહનને બોલાવીને દબાણ હટાવવાની કામગીરી ચાલુ રખાઇ હતી. કાર્યવાહીમાં નાયબ મામલતદાર જાવેદભાઇ સિન્ધી, વૈભવ વ્યાસ, શ્રી વાઘેલા વગેરે હાજર રહ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી દબાણો હટાવી શકતી હોય તો પાલિકા શા માટે વર્ષો જૂનાં દબાણો હટાવતી નથી? દબાણો હટાવવાની પાલિકાની નિયત જ ન હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. એક આક્ષેપ મુજબ, આ દબાણો નહીં હટાવવા પાલિકાને એક ચૂંટાયેલા પ્રતિનિધિએ જણાવ્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer