ગાંધીધામ તા. પં.માં હોદ્દેદારો તો વરાયા પણ શાસક પક્ષના સાત સભ્યો રહ્યા નદારદ !

ગાંધીધામ તા. પં.માં હોદ્દેદારો તો વરાયા પણ  શાસક પક્ષના સાત સભ્યો રહ્યા નદારદ !
ગાંધીધામ, તા. 20 : અહીંની તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ તરીકે ગીતાબેન મ્યાત્રા અને ઉપપ્રમુખ  તરીકે સિધ્ધરાજસિંહ જાડેજાએ ફોર્મ ભર્યા બાદ આજે તેમના નામની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે મળેલી સામાન્યસભામાં સત્તાપક્ષના નારાજ ગણાતા 7 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા.  અહીંની તાલુકા પંચાયતમાં અન્ય કોઈએ ફોર્મ ન ભરતાં પ્રમુખ પદે ગીતાબેન અને ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ જાડેજાની સામાન્ય સભામાં વરણી કરાઈ હતી.  જો કે આ સભામાં સત્તાપક્ષના નારાજ 7 સભ્યો ગેરહાજર રહ્યા હતા. આજની આ સભા શરૂ થઈ ગઈ છતાં સાત સભ્ય ન ડોકાતાં બહાર રહેલા રાજકીય નેતાઓ તથા પૂર્વ ધારાસભ્ય દોડધામમાં મુકાયા હતા. તો બીજીબાજુ કયારેક જ સામાન્ય સભામાં ડોકાતા કોંગ્રેસના સભ્યો આજે હાજર રહેતા ભાજપ, કોંગ્રેસની સેટીંગ થઈ ગઈ હોવાની ચર્ચાએ પણ બહાર ઉભેલા લોકોમાં જોર પકડયું હતું.  આ બેઠકમાં ભાજપના 5 અને કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા 3 એમ કુલ 8 સભ્યો જ હાજર રહ્યા હતા. સત્તાપક્ષની આ પહેલાંની બોડીના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન વગેરે 7 સભ્યો ગેરહાજર રહ્યા હતા. રાજકીય ઉચાટ વચ્ચે નવા હોદ્દારોને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer