ગાંધીધામમાં ચાલતા પેવર બ્લોકના કામોમાં ગુણવત્તા ચકાસણી કરાશે

ગાંધીધામમાં ચાલતા પેવર બ્લોકના  કામોમાં ગુણવત્તા ચકાસણી કરાશે
ગાંધીધામ, તા. 20 : અહીંની પાલિકાના વિકાસના તમામ કામોમાં લોટ, પાણી ને લાકડાંની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપો થાય છે ત્યારે થોડા દિવસ અગાઉ નવનિયુક્ત પ્રમુખે શહેરમાં ચાલતી પેવર બ્લોકની કામગીરીની તપાસ કરી કોન્ટ્રાકટરની ઝાટકણી કાઢી હતી. દરમ્યાન આજે અમુક પેવર બ્લોકની ગુણવત્તા હલ્કી જણાતાં તેના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. અહીંની  પાલિકા દ્વારા કરવામાં આવેલા કામોમાં ગુણવતાને નેવે મૂકીને કામો કરાતાં હોવાના અવાર નવાર આક્ષેપો થતા આવ્યા છે. તેમાંય છેલ્લા વર્ષોથી પાલિકા અને ગુણવત્તાના છૂટાછેડા થઈ ગયા હોય તેવી રમૂજ પણ લોકોમાં વહેતી થઇ હતી તો અમુક હોદ્દેદારોએ વિકાસના કામોના ઓઠા હેઠળ પોતાના દેવાં ચૂકવી દઇને નવા ધંધા પણ શરૂ કરી દીધા હતા તેવી વાતો પણ વહેતી થઇ હતી. વિકાસકામોમાં આવી નબળાઇ વચ્ચે થોડા દિવસ પહેલાં નિયુક્ત પાલિકા પ્રમુખ કાનજીભાઇ ભર્યાએ મુખ્ય બજારમાં ચાલતી પેવર બ્લોકની કામગીરી નિહાળી હતી. જેમાં અણુક ત્રુટીઓ નજરે ચડતાં કોન્ટ્રાકટરની રીતસર ઝાટકણી કાઢી હતી અને ગુણવત્તા જાળવી રાખવા આદેશ કર્યો હતો. તેવામાં આજે ફરીથી પ્રમુખે આ કામની ચકાસણી કરતાં અમુક પેવર બ્લોક તૂટી જતા હોવાનું અને તેની ગુણવત્તા હલ્કી હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન પ્રમુખે પેવર બ્લોક અને ટર્બિનના સેમ્પલ લઇ એક ખાનગી અને એક આર. એન્ડ બી.ની સાયન્ટિફિક લેબેરેટરીમાં મોકલાવી આપ્યા હતા. પ્રમુખના આવા આકરા તેવરથી લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી તો ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરોમાં ભયની લાગણી ફેલાઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer