ખારી રોહરમાં પતિએ પત્નીને રહેંસી નાખી

ગાંધીધામ, તા. 20 : તાલુકાના ખારી રોહર ગામમાં કામ ધંધા બાબતે ઠપકો આપતાં પતિએ પોતાની પત્ની સલમાબાનું આલે મુસ્તફા સૈયદ (ઉ.વ. 40) ને છરીના ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હતી. જેને પગલે ગામમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી હતી.  ખારી રોહરમાં રહેતા અને કામ-ધંધો ન કરતા આલે મુસ્તફા ઉર્ફે બબો નજર મામદ સૈયદ નામના ઈસમે આ બનાવને અંજામ આપ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.  સલમાબાનુ અને તેનો પતિ એવો તહોમદાર બબો આજે બપોરે પોતાના ઘરે હતા ત્યારે મહિલાએ પોતાના પતિને નોકરી કરવા અંગે ઠપકો આપ્યો હતો. આ મુદ્દે ઉશ્કેરાયેલો બબો છરી ઉપાડી પોતાની પત્ની ઉપર તૂટી પડયો હતો.  તેણે પોતાની પત્નીને 6થી 7 ઘા છરીના ઝીંકી દીધા હતા. જેમાં આ મહિલાનું મોત થયું હતું અને આ દંપતીના 15 વર્ષના લગ્ન સંબંધનો પણ અંત આવ્યો હતો.  પોતાની પત્નીનું ઢીમ ઢાળી દીધા બાદ આરોપી આલે મુસ્તફા લોહી નિંગળતી હાલતમાં છરી સાથે પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતે કરેલા કૃત્ય અંગે પોલીસને જાણ કરી હતી, તેવું પોલીસ સૂત્રોએ કહ્યું હતું.  દરમ્યાન પોલીસે આ મહિલાના ભાઈ કાસમશા અકબરશા શેખની ફરિયાદ નોંધી હતી અને મહિલાની લાશનું પી.એમ. કરાવી તેના પતિની અટક કરી છરી, લોહીવાળાં કપડાં વગેરે જપ્ત કર્યા હતા.  ગઈકાલે રાત્રે મોબાઈલ લેવા અંગે ઠપકો આપતાં ગણેશનગર વિસ્તારમાં બે ભાઈઓ દ્વારા એક યુવાનને પતાવી દેવાયો હતો અને આજે બપોરે કામ-ધંધા અંગે ઠપકા બાબતે પતિએ પત્નીનું ખૂન કરી નાખતાં ભારે ચકચાર પ્રસરી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer