કડોલ-ભરૂડિયાની 680 એકર મીઠાની લીઝ રદ

ભુજ, તા. 20 : ભચાઉ તાલુકાના રણવિસ્તારને અડીને આવેલા કડોલ તથા ભરૂડિયા ગામની આસપાસમાં મીઠું પકવવાના હેતુસર ત્રણ દાયકા પહેલાં ફાળવવામાં આવેલી જમીનના પ્લોટોની લીઝ રદ કરતો હુકમ કચ્છના કલેક્ટર રેમ્યા મોહને કર્યો હતો. કચ્છ વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારમાં ભૂતકાળમાં વનતંત્ર અને પ્રાંત અધિકારીએ ભાડાપટેથી આવેલી અનેક ખાતેદારોની જમીન સરકાર હસ્તક લઈ લેવાનો  તેમણે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.  કચ્છના કલેક્ટર રેમ્યા મોહને આપેલા ચુકાદા પાછળ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન જેવી સ્વૈચ્છિક સંસ્થાની મહેનત રંગ લાવી છે. કારણ કે મીઠાના ઉત્પાદનના નામે ઊંટોના ચરિયાણ બંધ કરવાની મોટી સાજિસ લાંબા સમયથી ચાલતી હતી. વળી કલેક્ટરે રાજ્ય સરકારના જાહેરનામાને ટાંકીને જણાવ્યું હતું કે, મોટું રણ વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે 1986થી જાહેર કરવામાં    આવ્યું છે. આ પ્રતિબંધિત વિસ્તારમાં 1991થી 2011 સુધીના સમયગાળામાં નાયબ કલેક્ટર દ્વારા મીઠાના નામે જમીનો લીઝ પર મંજૂર કરવામાં આવી હતી. લીઝની મુદ્દત 2021 સુધીની મંજૂર કરવામાં આવી છે પરંતુ 1972ની પ્રાણી સંરક્ષણની વિવિધ કલમોને ટાંકીને કલેક્ટરે તાત્કાલિક અસરથી 58માંથી 38 લીઝધારકોની જમીનોની લીઝ રદ કરતો હુકમ કર્યો હતો. ભચાઉ તાલુકાના કડોલ વિસ્તારમાં પ્રત્યેક લીઝધારકને 10-10 એકર જમીન મીઠું પકવવા ભાડાપટેથી આપવામાં આવી હોવાનું જણાવીને તમામની લીઝ રદ કરી જમીનો સરકાર હસ્તક દાખલ કરવામાં આવે છે. એવી જ રીતે ભચાઉ તાલુકાના ભરૂડિયા રણવિસ્તારમાં નવસૂર્યા સોલ્ટ પ્રા. લિ. ગાંધીધામને ભાડાપટે 1992થી મંજૂર કરવામાં આવેલી 300 એકર જમીનની લીઝ પણ રદ કરી નાખી હતી. એવી જ રીતે જી.એસ. આહલુવાલિયા ભરૂડિયાને 2011 સુધી અપાયેલી 300 એકર ભૂમિ સરકાર દાખલ કરી હતી. કડોલ ગામની 38 લાભાર્થીઓની 380 એકર જમીનની લીઝ રદ કરી કલેક્ટર રેમ્યા મોહને આ તમામ જમીનનો કબ્જો પૂર્વ વિભાગના નાયબ વન સંરક્ષકને સંભાળી લેવા ચુકાદામાં જણાવ્યું હતું. આ લીઝના પ્લોટ પર જો વીજતંત્ર તરફથી વીજજોડાણ આપવામાં આવ્યા હોય તો તાત્કાલિક અસરથી વીજજોડાણ કાપી નાખવા પણ આદેશ કર્યો હતો. તમામ 38 લાભાર્થીઓની નામજોગ યાદી અને  પ્લોટ નંબરને ટાંકીને કલેક્ટરે આ લીઝ રદ કરતો ચુકાદો આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer