કંડલામાં ડૂબી ગયેલા બાર્જના ક્રૂનો બચાવ કપ્તાનની બહાદુરીને આભારી

ગાંધીધામ, તા. 20 : થોડા દિવસ પહેલાં કંડલાના દરિયામાં ખાતર ભરેલા બાર્જ ગિરીજા-3એ જળસમાધિ લીધી પરંતુ તેના તમામ સાત ક્રૂ સભ્યોનો બચાવ થયો હતો. આ ઘટનાની બહાર આવતી વિગતો પ્રમાણે ક્રૂ સભ્યોનો બચાવ આ બાર્જના કપ્તાનની બહાદુરીને આભારી હતો. અહીંની ખાનગી પેઢી રિશી શિપિંગનું આ બાર્જ ડૂબી જશે તેવું લાગતાં મૂળ કોલકાતાના આ બાર્જના કપ્તાન શકીલ અહેમદ (ઉ.વ. 32)એ તમામ ક્રૂને બચાવવા રસ્તા વિચાર્યા. તેમની પાસે બચવા માટે 15 મિનિટનો જ સમય માંડ હતો. બાર્જમાં કેબિનની ઉપર લાઇફ ક્રાફ્ટ હતી, પરંતુ તે ઉતારવામાં સમય લાગે તેમ હતું એટલે કપ્તાને તરત જ લાઇફ જેકેટ પહેરી લેવા આદેશ કર્યો. સાત ક્રૂ સભ્યોમાં ત્રણ સીમેનને તરતાં નહોતું આવડતું, આ મોટી સમસ્યા હતી. આ માટે કપ્તાને સભ્યોની બે ટુકડી પાડીને તરતાં આવડતું નહોતું તે ત્રણ સભ્યોને બે ટુકડીમાં વહેંચી દીધા. તે ગોઝારા દિવસે રાત્રે 9 વાગ્યે તમામ ક્રૂ સભ્યોએ પાણીમાં ઝંપલાવી દીધું. આ બાજુ સિગ્નલ સ્ટેશનને તાકીદનો સંદેશ મળ્યો હોવાથી મહાબંદરની ટીમો, કોસ્ટગાર્ડ વગેરે બાર્જને શોધવા નીકળ્યા હતા. બાર્જે તો જળસમાધિ લઇ લીધી પરંતુ ક્રૂનો  પતો લાગતો નહોતો. આ બાજુ પાણીમાં કૂદી ગયેલા ક્રૂ સભ્યો ભરતીને લઇને ક્યારેક નવલખી તરફ તો ક્યારેક કંડલા તરફ ફંગોળાતા રહ્યા હતા. લગભગ નવ કલાક આ રીતે રહેલા ક્રૂ સભ્યોએ તરતા નહોતું આવડતું તેવા ત્રણ સભ્યોની સંભાળ લીધી હતી. કપ્તાન શકીલે પોતાનો શર્ટ ઉતારી તેને હવામાં લહેરાવી બચાવ ટુકડીઓનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યા, પરંતુ તે એળે ગયા હતા. તેમની સિસોટીનો અવાજ પણ બચાવ ટુકડીઓ સુધી પહોંચતો નહોતો. છેવટે કપ્તાને શટર્ન ઊંચે હવામાં ઉછાળી ઉછાળીને પ્રયાસ કરતાં તે તરફ?ધ્યાન ગયું હતું અને આ તમામ ક્રૂ નવ કલાકે પાણીમાંથી બહાર આવ્યા હતા. શિપિંગ ક્ષેત્રના જાણકારોમાં કપ્તાન શકીલની બહાદુરીને બિરદાવાઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer