કચ્છના મ્યુનિસિપલ અધિકારીની જગ્યા રદ્દ થતાં મુશ્કેલી સર્જાશે

ભચાઉ, તા. 20 : કચ્છની નગરપાલિકાઓની દેખરેખ રાખતા મ્યુનિસિપલ કમિશનરની જગ્યા રદ્દ કરવાથી આવનારા દિવસોમાં કામગીરી પર મોટી વિપરીત અસર પડશે તેવી ભીતિ વ્યકત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભરતભાઈ ઠક્કરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, એઁપેલેટ અધિકારી તરીકે ફરજ બજાવનારાની જગ્યા કચ્છમાં રદ્દ થવાના કારણે વહીવટ નિરંકુશ બનશે એ એ જ રીતે કલેકટર ઓફિસમાં વર્ષોથી ચાલતી નગપાલિકા શાખા પણ બંધ કરવામાં આવી છે. તેમજ કોઈપણ નગરપાલિકા ખોટા ઠરાવ કરે કે કોઈ ખોટો નિર્ણય કરે તેને પડકારવા માટે 258 કલમ તળે કલેકટરને અપીલ થઈ શકતી જે નવા માળખામાં અધિકાર રાજકોટ ઝોનને રહેશે તેમજ આર.ટી.આઈ. અપીલ પણ ભુજ જિલ્લા નગરપાલિકા અધિકારીના બદલે રાજકોટ ઝોનમાં આવશે. આમ નાયબ કલેકટર તથા કલેકટર જેવા સ્થાનિક અધિકારીઓની સત્તામાં કાપ આવશે. દા.ત. માંડવીથી રાજકોટ અંદાજિત 300 કિ.મી. થાય જે આપ સમજી શકો છો. આમેય કચ્છની નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર વ્યાપકપણે ચાલે છે અને રાજ્ય સરકાર પણ ગ્રામ્ય વિસ્તારને આયોજનની ગ્રાન્ટમાં માત્ર એક તાલુકાને 1.5 કરોડ અને નગરપાલિકાઓને કરોડોમાં રૂપિયા આપી ગ્રામ્ય વિસ્તારને અન્યાય કરે છે. વહીવટની દેખરેખ માટે પ્રાદેશિક નિયામકની કચેરી તો રાજકોટમાં છે તેમ છતાં મ્યુનિસિપાલિટી કમિશનરની જગ્યા ઊભી કરવાથી કચ્છની નગરપાલિકાઓનો વહીવટ ખાડે જશે અને ભ્રષ્ટાચારમાં મોટે પાયે પ્રોત્સાહન મળશે. લોકોને તથા પદાધિકારી- અધિકારીઓને રાજકોટના ધક્કા થશે. માહિતી અધિકાર કાયદો પડી ભાંગશે. એમ તેમણે જણાવ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer