ભુજમાં છ કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ભુજ, તા. 20 : શહેરમાં સુરલભિટ્ટ રોડ ઉપર આવેલા અંજલિનગર-1 ખાતે બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે જિલ્લા સ્તરેથી રૂા. 37 હજારની કિંમતનો છ કિલો ગાંજો પકડી પાડયો હતો. આ પ્રકરણમાં અશ્વિન કાનજી બુચિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. કબ્જે કરાયેલો જથ્થો આરોપી સુરતથી લઇ આવ્યો હોવાની વિગતો પણ સપાટી ઉપર આવી રહી છે.  પશ્ચિમ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાએ ચોક્કસ બાતમીના આધારે પગેરું દાબીને આજે ઢળતી બપોરે અંજલિનગર વિસ્તારમાં આ છાપો માર્યો હતો. જેમાં આરોપીને તેના ઘરમાંથી કેફી દ્રવ્ય ગાંજાના છ કિલો અને 183 ગ્રામ જથ્થા સાથે પકડાયો હતો. તહોમતદારની પ્રાથમિક પૂછતાછમાં એવી વિગતો સપાટી ઉપર આવી રહી છે કે આરોપી અશ્વિન કેફી દ્રવ્યનો આ જથ્થો સુરતથી લઇ આવ્યો હતો, જેને લઇને પોલીસે આગળની તપાસ તે તરફ પણ લંબાવી છે. જે તપાસમાં વધુ આરોપીઓ હાથ આવે તેવી સંભાવના જોવાઇ  રહી છે. દરમ્યાન, એલ.સી.બી.એ જાહેર કરેલી સત્તાવાર યાદી મુજબ, આરોપી ગાંજાનો જથ્થો લઇ આવ્યા બાદ પડીકીઓ બનાવીને સ્થાનિકે છૂટકમાં તેનું વેચાણ કરતો હતો. તેની પાસેથી મોબાઇલ ફોન, વજનકાંટો, વજનિયાં વગેરે પણ કબ્જે કરવામાં આવ્યા હતા.  તહોમતદાર સામે કેફી દ્રવ્ય ધારા તળે વિધિવત્ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી બી. ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી.  દરોડાની કાર્યવાહીમાં જિલ્લા પોલીસ અધીક્ષક એમ.એસ. ભરાડાના માર્ગદર્શન તળે ઇન્સ્પેક્ટર જે.એમ. આલની રાહબરીમાં એલ.સી.બી. સ્ટાફના સભ્યો જોડાયા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer