પાણીમાંથી રૂપિયા કાઢતી જાદુઇ લાકડીના મામલામાં સપ્લાયર ભુજનો તબીબ

વડોદરા, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : દિવ્ય જાદુઈ બહુમૂલ્ય લાકડી વહેતા પાણીમાં નાખવામાં આવે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આગળ વધે, જેની એક ઈંચની કિંમત રૂા. 1.50 કરોડ છે. ધાર્યા કામમાં સફળતા આપતી આખી લાકડી રૂા.27 કરોડની છે. તેનો ડેમો જોવો હોય તો રૂા.5 લાખ આપવા પડશે તેમ કહી છેતરપિંડી કરતી ટોળકીના 4 શખ્સોને એસઓજીની ટીમે છટકું ગોઠવી ઝડપી પાડયા હતા, જ્યારે જાદુઈ લાકડી સપ્લાય કરનાર કચ્છ ભુજના ડો. સંજય પટેલની શોધખોળ શરૂ કરાઈ છે. વડોદરાની કિશનવાડી સવિતા પાર્ક સોસાયટીના સતીશ વિઠ્ઠલ સોની અને તેના સાગરીતો પાસે દિવ્ય જાદુઈ બહમૂલ્ય લાકડી છે, ઠગાઈ કરવા માટે આ લાકડી વેચવા સફેદ કલરની હોન્ડા સિટી કારમાં ટોળકી ફરી રહી છે, હાલ આ ટોળકી અલકાપુરીમાં ઊભી છે તેવી બાતમી મળતાં એસઓજી પીઆઈ એચ.એમ. ચૌહાણે છટકું ગોઠવ્યું હતું. પીઆઈએ ડમી વ્યક્તિને મોકલી ટોળકીને દિવ્ય લાકડીનો ડેમો જોવાનું કહેતાં રૂા. 5 લાખમાં સોદો કર્યો હતો. એસઓજીએ આ ટોળકીના સતીશ વિઠ્ઠલ સોની (રહે. નડિયાદ), મોરેલના જીતુ શંકર પટેલ, રાજકોટના ભરત નાથા હેરમા અને સુરેન્દ્રનગર- વઢવાણના જેઠી માનસંગ જાદવને ઝડપી પાડી અવળ વેલ જેવી સર્પાકાર લાકડી, કાર અને મોબાઈલ સહિત રૂા.5.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer