પ્રધાનમંત્રી આવાસ યોજના લાગુ કરવા ગાંધીધામમાં નિયમો નેવે મુકાયા છે ?

ગાંધીધામ, તા. 20 : ભારતમાં 70 ટકા લોકો એવા છે જેમની પાસે પોતાનું મકાન નથી. આવા ઘરવિહોણા તથા માંડ બે ટંકનું ભોજન મેળવી શકે તેવા લોકો માટે કેન્દ્ર-રાજ્ય સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) લાગુ કરી છે. સરકારે વર્ષ 2019 સુધીમાં 1 કરોડ મકાન તૈયાર કરવા નિર્ધાર કર્યો છે. આ યોજના અંતર્ગત ગાંધીધામ નગરપાલિકાએ આદિપુરના 160 મકાનો આવરી લઈ તેમની યાદી ગાંધીનગર કક્ષાએ મોકલાવી છે, પરંતુ આ યોજના ફક્ત ઘરવિહોણા લોકો માટે છે છતાં અહીંની પાલિકાએ તૈયાર મકાન ધરાવનારાઓની યાદી ગાંધીનગર મોકલાવતાં ભારે ચકચાર પ્રસરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ઘરવિહોણા લોકો માટે નવા મકાન બનાવવાનું આયોજન કરાયું છે. જેમાં જે પરિવાર પાસે પ્લોટ હોય પણ મકાન ન હોય તેવા પરિવારોને નવું મકાન બનાવવા સરકાર સહાય આપે છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને પાલિકાએ જો પોતાની કોઈ જમીન હોય તો ત્યાં આવાસ બનાવી આપવાના હોય છે. અથવા જ્યાં ઝૂંપડપટ્ટી  હોય અને તે જમીન પાલિકાની હોય તો તે લાભાર્થીના જૂના મકાન તોડીને નવા બનાવવા સહાય આપવાની યોજના છે. પરંતુ ખાટલે મોટી ખોડ સમગ્ર રાજ્યમાં કયાંય ન હોય તેવી આ પાલિકાની અહીં આવી યોજનાઓ તો આવે છે પરંતુ પાલિકાની પોતાની જમીન ન હોવાને કારણે આવી યોજનાઓ લાગુ થઈ શકતી નથી. અહીંની તમામ જમીનો કાં તો ડી.પી.ટી. હસ્તગત છે, કાં તો એસ.આર.સી.ના કબ્જામાં છે. આવામાં પાલિકાએ તથા સર્વે કરનારી એજન્સીએ સરકારની યોજનાને પૂર્ણ કરવા માટે નવો તોડ કાઢયો છે. આ યોજના હેઠળ આદિપુરના 4વાળી, 7વાળી દુબઈ ટેક્સટાઈલ નગર વગેરે વિસ્તારોમાંથી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં સામાન્ય 62, અનુ. જાતિના 75, અનુ. જનજાતિના 4, અન્ય પછાત વર્ગના 19 એમ કુલ 160 લાભાર્થી જેમાં 68 મહિલાઓ અને 92 પુરુષો છે તેવા લોકોની યાદી ગાંધીનગર કક્ષાએ મોકલવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ રૂા. 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા ઘરમાં કોઈના નામે પ્લોટ હોય પણ મકાન ન હોય તેવા લોકો 30 ચો.મી. વિસ્તારમાં બાંધકામ કરે તો તેમને આ સહાય ચૂકવાય છે. અહીંની આ પાલિકાને આદિપુરના અમુક વિસ્તારોના લાભાર્થીઓની તેમને પોતાના મકાન ઉપર પ્રથમ માળ બનાવ્યો હોય અથવા જૂનુ મકાન જર્જરિત હોય તો નવું બાંધકામ  અથવા સમારકામ માટે આ યોજના અંતર્ગત પસંદગી કરી હોવાનું પાલિકાનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ખરેખર આ પી.એમ.એ.વાય. યોજના આવી રીતે લાગુ કરી શકાય કે કેમ તે માટે મુખ્ય અધિકારી નીતિન બોડાતનો સંપર્ક કરતાં તેમણે ફોન ઊંચક્યો નહોતો. અહીંની પાલિકાએ વિકાસકામો કે અન્ય કામોમાં ગુણવત્તા સાથે છૂટાછેડા લઈ લીધા હોય તેમ તમામ કામગીરીમાં આક્ષેપ થતાં હોય છે. ત્યારે આ યોજનામાં પણ અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer