ખારી રોહરને મહેસૂલી ચોપડે ચડાવવા કરાયેલી રજૂઆત

ગાંધીધામ, તા. 20 : આ તાલુકાના ખારી રોહર ગામને સરકારી પંચાયતી રેકર્ડમાં મહેસૂલી દરજ્જો આપવા અને તેના નકશામાં સ્થાન આપવા અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આ ગામ ખારી રોહર 300 વર્ષ ઉપરાંતના સમયથી અસ્તિત્વમાં આવ્યું છે. આ ગામમાં દરેક વર્ગના લોકો વસવાટ કરતા હતા. હાલમાં આ ગામમાં 9000ની આસપાસની વસતી છે. આ ગામમાં ગ્રામ પંચાયત છે. તમામ પ્રકારની ચૂંટણીઓ થાય છે. ગામમાં કબ્રસ્તાન, સ્મશાનભૂમિ, મંદિર, મસ્જિદ, દરગાહ વગેરે આવેલા છે તો રાજાશાહી સમયના આરામ મહેલ, કસ્ટમ ચોકી વગેરે હતી. જેને ગઢ તરીકે ઓળખવામાં આવતું હતું. જે જર્જરિત થતાં તંત્રે તેને તોડી પાડી ત્યાં શાળા બનાવી છે.  આ ગામમાં સરકારની તમામ યોજનાઓ લાગુ છે અને સુવિધાઓ પણ મળે છે. આ ગામને અડીને આવેલા મીઠી રોહરનું મહેસૂલી  રેકર્ડમાં સ્થાન છે પણ આ જ ગામને સરકારી પંચાયતી રેકર્ડમાં મહેસૂલી દરજ્જો મળ્યો નથી જેના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી આ ગામને પણ રેકર્ડમાં સમાવાય અને નકશામાં સ્થાન મળે તે માટે જિલ્લા કલેકટરને સૈયદ ગુલાહુસેન, ઇબ્રાહીમ આમદ સોઢા, અબ્દુલ ઇશા સોઢા, હુસેન અલીમામદ કકલએ રજૂઆત કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer