કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન 22મીએ વિશ્વ ઊંટ દિન ઊજવશે

ભુજ, તા. 20 : સમગ્ર વિશ્વમાં 22મી જૂને ઊજવાતા વિશ્વ ઊંટ દિન નિમિત્તે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા પણ ઊંટ દિનની ઉજવણી કરવામાં આવશે.કચ્છમાં છેલ્લાં આઠ વર્ષથી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સમગ્ર કચ્છ અને ગુજરાતના ઊંટ પાલકો સાથે મળી એ દિવસે સંગઠનની સાધારણ સભાનું આયોજન કરે છે. આ સભામાં વિવિધ કાર્યક્રમો દ્વારા વિશ્વ ઊંટ દિવસની વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત વી.ડી. હાઈસ્કૂલની બાજુમાં લોહાણા મહાજન વાડી ખાતે યોજાનારા કાર્યક્રમમાં કચ્છ અને ગુજરાતમાંથી આશરે 180 જેટલા માલધારી ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે.  આ કાર્યક્રમમાં ઊંટ માલધારી સંગઠન દ્વારા ચરિયાણ સંરક્ષણ, દૂધની બજાર વ્યવસ્થા અને રાષ્ટ્રીય સ્તરે મળેલા એવોર્ડની પ્રદર્શની યોજાશે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવનને આ વર્ષે ખારાઈ ઊંટના સંરક્ષણ માટે રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યૂરો (એનબીજીએઆર) દ્વારા મળેલા પ્રોગ્રામ `ખારાઈ ઊંટનું સંરક્ષણ અને ઊંટ પાલકોની આજીવિકાનું મજબૂતીકરણ'ને ખુલ્લો મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટની જાણકારીનો બ્રોસર તૈયાર કરી વિમોચન કરવામાં આવશે. આદવિક ફૂડ પ્રા.લિ.એ ઊંટડીના દૂધમાંથી બનાવેલી વિવિધ પ્રોડક્ટને મૂકવામાં આવશે. આ કાર્યક્રમમાં કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, રાજ્યના પશુપાલન નિયામક ડો. એ.જે. કાછિયા પટેલ, વલમજીભાઈ હુંબલ (ચેરમેન, સરહદ ડેરી), અરજણભાઈ રબારી (અધ્યક્ષ, ગોપાલક બોર્ડ) અને હિતેશભાઈ રાઠી (આદવિક ફૂડ પ્રા.લિ.) અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેશે. બપોર પછીના કાર્યક્રમના બીજા ભાગમાં ઊંટ માલધારી સંગઠન દ્વારા તેમની સંસ્થાના વિવિધ બંધારણીય ઠરાવો પસાર કરવામાં આવશે. વધુ માહિતી માટે મહેન્દ્ર ભાનાણી-મો. 82380 19933, ભીખાભાઈ રબારી-મો.98791 23135નો સંપર્ક કરવા જણાવાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer