ઓવરલોડનાં દૂષણને ડામવા ચર્ચા-વિચારણા

ઓવરલોડનાં દૂષણને ડામવા ચર્ચા-વિચારણા
નખત્રાણા, તા. 19 : અહીંની ભુજ-લખપત હાઇવે માર્ગ પરની માર્કેટ ખાતે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિયેશનની જનરલ મિટિંગ સંસ્થાના પ્રમુખ જયસુખભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ટ્રકમાલિકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રારંભે ગત મિટિંગનું વાચન કરવામાં આવ્યું હતું તેમજ હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ મહત્ત્વના નિર્ણયો જેમ કે વર્તમાન પરિસ્થિતિમાં જે ઓવરલોડનું દૂષણ બેફામપણે ચાલી રહ્યું છે તેને કઇ રીતે ડામવું તેની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ ગામોની ટ્રકમાલિકોની મંડળીઓ દ્વારા તેમજ એસોસિયેશન દ્વારા આગામી તા. 22/6ના નલિયા ખાતે અચોક્કસ મુદ્દત સુધી કેમ્પ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને હાલે જે પરિસ્થિતિ ચાલી રહી છે ટ્રક વ્યવસાયમાં તેનું માર્ગદર્શન આપ્યું હતું. જેમાં લિગ્નાઇટનો ઓછો કવોટા, ઉપરાંત માઇન્સ દ્વારા નવી બેંચ ન બનાવવામાં આવતાં ટ્રકો માઇન્સ પર લાંબા સમય સુધી રહી જાય છે. માઇન્સના ખરાબ રસ્તા, પ્રાથમિક સુવિધાનો અભાવ બાબતોની ચર્ચા પણ કરવામાં આવી હતી. બેઠકમાં હાજી મુસા હારૂન, ભાવેશભાઇ ગોસ્વામી, રાજેશભાઇ આહીર, જુણસભાઇ ખેંગારભાઇ રબારી, નવલસિંહ જાડેજા, હરિભાઇ લીંબાણી, સોઢા હીરજી અચલજી, મૂળજીભાઇ ઠક્કર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ શંકરલાલભાઇ ભીમાણીએ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer