જિ.પં.માં આહીર સમાજને પ્રતિનિધિત્વ ન મળ્યું : કોંગી નેતાઓનું તીર નિશાને ?

ભુજ, તા. 19 : કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પૂર્વે વિપક્ષે કરેલા નિવેદનનું ભલે સુરસુરિયું થયું હોય, પણ તેની પાછળના દૂરોગામી લાભાલાભ જોવાઈ રહ્યા છે.  બે દિવસ પૂર્વે વિપક્ષી નેતા વી.કે. હુંબલે એક નિવેદનમાં એવો દાવો કર્યો હતો કે ભગવા પક્ષમાં ભંગાણ પડયું છે અને ભાજપના સભ્યો હાઈકમાન્ડના તાનાશાહી વલણથી દુભાયા છે અને મરજી મુજબના પ્રમુખ ઠોકી બેસાડશે તો નવાજૂની થશે. વધુમાં, નારાજ સભ્યો કોંગ્રેસના સભ્યોના સંપર્કમાં છે તેમજ ચૂંટાયેલા સભ્યોના સમાજને અન્યાય ન થાય એ વિચારવું જોઈએ.  બીજી તરફ, આહીર સમાજના આગેવાન અને પૂર્વ જિ.પં. સદસ્ય રૂપાભાઈ આહીર પણ જો આહીર સમાજના પ્રમુખ નહીં બનાવાય તો સમાજનું અપમાન ગણીને તેને ચલાવી નહીં લેવાય અને ભાજપને    ભારે પડી જશે, એવી ચેતવણી આપી હતી. અનુભવી રાજકારણીઓ કહે છે કે, આ બંને નિવેદનો લાગે ભલે સમાજની તરફેણમાં, પરંતુ તે ભાજપમાં રહેલા આહીર સભ્યો માટે જોખમકારક બન્યાં, કારણ કે કોંગ્રેસીઓને ભાજપના નેતાઓની ચિંતા કરવાની શી જરૂર પડે? હવે જો આવાં નિવેદનો જાહેર ન થાય તો બંને પક્ષ કોઈ આહીર સભ્યને પ્રમુખ બનાવે તો તે કોંગ્રેસનાઆહીર સમાજના નેતાઓ માટે સબળ હરીફ બની શકે, આવાં ગણિત મુજબ આબાદ કાંટો કાઢી નખાયો છે અને તેનો ફાયદો   કોને થાય એ સમજી શકાય તેવી વાત છે.  કોઈ શાણા રાજકારણીને બળવો કરાવવો હોય તો અગાઉથી અખબારી નિવેદન આપી પોતાનાં પત્તાં ખોલે નહીં તેવું વર્તુળો માને છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer