ગાંધીધામ-આદિપુર પાલિકા કચેરીમાં જન્મ-મરણના દાખલા લેવામાં તકલીફ

ગાંધીધામ, તા. 19 : ગાંધીધામ નગરપાલિકાની આદિપુર ખાતેની બ્રાન્ચ ઓફિસમાં જન્મ મરણના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીથી લોકોમાં ભારે આક્રોશ પ્રસર્યો છે. તો ગાંધીધામમાં જન્મના દાખલાઓની મહિનાઓ સુધી નોંધણી ન કરાતાં દાખલા મેળવવા લોકોએ અનેક ધક્કા ખાવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આદિપુર બ્રાન્ચ ઓફિસમાં ધણીધોરી વિનાની સ્થિતિ હોવાનો આક્ષેપ ઊઠયો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આદિપુર કચેરીમાં 25 જેટલા જન્મ અને મરણના દાખલા પડયા છે. હાલ જેના પાસે ચાર્જ છે તે લાંબી રજામાં છે જેથી ચાર્જ સોંપાયો છે તે કર્મચારી આવતા ન હોવાના કારણે 25 જેટલા દાખલા સહિની રાહમાં પડયા છે તદઉપરાંત આદિપુર કચેરીમાં મરણના દાખલાનો જથ્થો જ ખલાસ થઇ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઘણા વર્ષો પૂર્વે આદિપુરની શાખામાં સપ્તાહમાં એક કે બે દિવસ મુખ્ય અધિકારી બેસતા હતા જેથી લોકોને પ્રશ્નો અંગે ગાંધીધામ સુધી લાંબા થવું પડતું ન હતું પરંતુ હવે આ કચેરીની હાલત ધણીધોરી વિનાની હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. વધુમાં મળતી વિગતો મુજબ સુધરાઇની મુખ્ય કચેરીમાં હોસ્પિટલો દ્વારા બાળકોના જન્મની વિગતો પાલિકાને મોકલાવી દેવાયા બાદ દિવસો સુધી કોમ્પ્યુટરમા એન્ટ્રી જ કરાતી નથી. એન્ટ્રી ન થવાના કારણે લોકોને અનેક વખત ધક્કા ખાવા પડે છે. મહત્ત્વના એવા બને દસ્તાવેજોમા સુધરાઇ દ્વારા કરાતા વિલંબ અંગે ત્વરાએ ઘટતી કાર્યવાહી કરાય તેવી માગણી લોકોમાં પ્રબળ બની છે. આ અંગે સુધરાઇના મુખ્ય અધિકારીનો સંપર્ક સાંધતાં ફોન નો રિપ્લાય મળ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer