ધીણોધર ડુંગર પરિસરમાં દોઢેક મહિનાથી જળસંકટ : યાત્રીઓ હેરાન

વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 19 : નખત્રાણા તાલુકામાં સિદ્ધયોગી ધોરમનાથ દાદાની તપોભૂમિ ધીણોધર ડુંગર પરિસરમાં છેલ્લા દોઢેક માસથી પાણી પુરવઠા લાઇનમાં પાણીના અપૂરતા, અનિયમિત પુરવઠાના કારણે સ્થાનકે આવતા યાત્રી, પર્યટકો માટે વિકટ?સમસ્યા સર્જાઇ?છે જે સત્વરે નિવારવા નખત્રાણા તાલુકા પાણી પુરવઠા યોજના તથા નાયબ પ્રાંત અધિકારી કચેરીએ લેખિત જાણ કરવામાં આવી છે. સમસ્યા અંગે સ્થાનકના મહંત હીરાનાથજી બાપુ તથા પૂજારી મહેશનાથજીના જણાવ્યા મુજબ આ ધર્મ સંસ્થાનમાં યાત્રી દર્શનાર્થીઓના અવિરત પ્રવાહના કારણે આવશ્યક પાણીનો પુરવઠો સતત દોઢેક માસથી બંધ પડવાના કારણે ધીણોધર તળેટી અને શિખર ઉપરે પાણીના સ્ટોરેજ ટાંકામાં પાણી તળિયા ઝાટક થઇ જતાં પાણીની મુશ્કેલી સર્જાઇ છે અને તેની જાણ સંસ્થાનના કારભારીને વારંવાર કરવામાં આવી પણ છે. બીજીતરફ ધીણોધર વિકાસ કાર્યકારી સમિતિના સદસ્ય ભીભાજી વાઘજી જાડેજા (નાની અરલ)એ સ્થાનકની પાણીની સમસ્યા અંગે નખત્રાણા તા. પાણી પુરવઠા તંત્ર તથા નાયબ પ્રાંત અધિકારી કચેરીને લેખિત જાણ કરી છે. શ્રી જાડેજાના જણાવ્યા મુજબ ધીણોધર ડુંગર સ્થાનકના પાણી પુરવઠા માટે બે વર્ષ અગાઉ નાની અરલ ફાટકથી ધીણોધર તળેટી સુધી સાત કિ.મી. સુધીની પાઇપલાઇન બેસાડવામાં આવી છે અને તેને નર્મદા પાણી યોજના લાઇનથી જોડવામાં આવી છે પણ?શરૂઆતમાં છએક માસ પાણી પુરવઠો ચાલુ રહ્યા પછી લાઇનમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે મોટી વિરાણી પાસેના નાની વિરાણી ગામ નજીકના સામૂહિક પાણી પુરવઠા યોજનાનાં બોરમાંથી નાની અરલના ગ્રામજનોને અપાતા પાણી પુરવઠામાંથી ધીણોધરની પાઇપલાઇનમાં જોડાણ આપી ધીણોધરના પાણીના સ્ટોરેજ ટાંકા ભરવામાં આવતા છેલ્લા દોઢેક માસથી નાની વિરાણીના બોરમાંથી પાણીનો નહીંવત પુરવઠાના કારણે નાની અરલ ગામને પણ પાણીની સમસ્યા થઇ છે. બીજીતરફ નાયબ પ્રાંત અધિકારી કચેરીના શિરસ્તેદાર પીરદાનસિંહ સોઢાએ ધીણોધર સ્થાનકની પાણી સમસ્યા અંગેના લેખિત પત્ર સ્વીકારતાં જણાવ્યું હતું કે, ધીણોધર માટેની પાણીની વૈકલ્પિક વ્યવસ્થા માટે ટેન્કર દ્વારા તાત્કાલિક પાણી પહોંચાડવામાં આવશે. સમસ્યાની જાણ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને કરવામાં આવતાં તેમણે પણ પાણી પુરવઠા તંત્રને રજૂઆત કરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer