મહત્ત્વ ન મળતાં લેવા પટેલ સમાજ નારાજ

કેરા (તા. ભુજ), તા. 19 : જિલ્લા અને તાલુકાના પ્રમુખ-ઉપપ્રમુખપદનો ગંજીફો ચીપાઇ જતાં છેલ્લા લાંબા સમયથી વહેતી અટકળોનો અંત આવી ગયો હતો, તે દરમ્યાન મંગળવારે નામ જાહેર થતાં જ ચોવીસી વર્તમાન જિ.પં. પ્રમુખપદ છીનવાઇ જતાં વધુ એકવાર રાજકીય પક્ષો તરફથી અન્યાય થયાની લાગણીઓ અખબારે પહોંચી હતી. અલબત્ત, ભુજ તાલુકા પ્રમુખપદ લેઉવા પટેલોને ફાળવાયાનું ભાજપ આગેવાનોએ કહ્યું હતું. 2012 વિધાનસભા વખતે અવગણના અને અન્યાય મુદ્દે અપક્ષ ઝંપલાવનાર લેવા પટેલ સમાજે વર્તમાન વિધાનસભા વખતે પ્રેરિત અપક્ષ હટાવી લીધો ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખપદું હોવાનો સંતોષ માની લીધો હતો, પણ આ પદ પણ છીનવાઇ જતાં કડવાશ સપાટી પર આવી ગઇ હતી. આ સંદર્ભે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યનો સંપર્ક કરતાં તેમણે લેઉવા પાટીદારના પ્રતિનિધિ તરીકે પોતે 4-4 નામની પેનલમાં અરવિંદ પિંડોળિયાનું નામ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂક્યું હતું અને સમર્થન પણ કર્યું હતું. પછી પ્રદેશકક્ષાએથી બોર્ડ જે નિર્ણય કરે તે સૌને માન્ય રાખવાનો હોય છે. જાહેર કરાયેલા પ્રમુખ-ઉપપ્રમુખનાં નામો પૈકી જ્ઞાતિ સમીકરણ પ્રમાણે જિલ્લા પ્રમુખ સહિત છ ક્ષત્રિય, ત્રણ કડવા પાટીદાર, બે ગઢવી, એક લેઉવા પટેલ સહિતનાનો સમાવેશ કરાયો છે તેમાં જિ.પં.નું પ્રમુખપદ લેઉવાને અપાશે તેવી આશા હતી અને સક્ષમ નામો પણ રેસમાં હોવા છતાં તાલુકા પ્રમુખપદ આપી કદ વેતરી નખાયાની લાગણી ફેલાઇ હતી અને દૂરવાણીથી અખબારી કચેરી સમક્ષ પણ પહોંચી હતી. એક સૂર એવો પણ વ્યક્ત થયો કે ગત વિધાનસભામાં ભુજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર 28 હજાર મતોથી પાછળ ચાલતા હતા. ચોવીસીના વોર્ડ ખુલ્યા ત્યારે જ સરસાઇ પ્રાપ્ત થઇ હતી. આ વાત સંગઠને વિસારી દીધાની નારાજગી પ્રગટ થઇ રહી છે ? તેવા પ્રશ્નના જવાબમાં નીમાબેન આચાર્યે કહ્યું, જ્ઞાતિય સમીકરણો પાર્લામેન્ટરી બોર્ડ જોતું હોય છે. જાણકારોના કહ્યાનુસાર આપસી ખેંચતાણે આવું પરિણામ આવ્યું છે. આ વાતને ખુદ મુરતિયાઓએ પણ નકારી ન હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer