ચાલુ વર્ષથી પરંપરાગત કોર્સમાં રહ્યો ધસારો

ભુજ/ગાંધીધામ, તા. 19 : બી.એ./બી.એસસી. બાદ આજે બી.કોમ.ના અભ્યાસક્રમ માટે સૌથી વધુ ધસારો રહે છે એવી બે કોલેજો આદિપુરની તોલાણી કોમર્સ કોલેજ અને ભુજની જે.બી. ઠક્કર કોમર્સ કોલેજની પ્રથમ મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે. છેલ્લાં બેત્રણ વર્ષોથી બદલાયેલા ટ્રેન્ડ મુજબ ચાલુ વર્ષે પણ વ્યવાસાયિક અભ્યાસક્રમોને બદલે પરંપરાગત પાયાના સ્નાતક કોર્સમાં જ ધસારો દેખાયો છે.બી.એસસી.-બી.એ.ની જેમ બી.કોમ.ના આંકડા જોવામાં આવે તો આદિપુરની કોમર્સ કોલેજમાં 900 બેઠક સામે 1467 ફોર્મ આવ્યાં છે અને પ્રથમ યાદીમાં 849ને પ્રવેશ મળ્યો છે, જ્યારે ભુજની કોમર્સ કોલેજમાં 600 બેઠકોની સામે 893 ફોર્મ આવ્યાં હતાં અને પ્રથમ યાદીમાં 495ને પ્રવેશ આપી શકાયો છે, 107 બાકી છે. જોકે, બંને કોલેજમાં એસ.સી./એસ.ટી.ના તમામ છાત્રોને પ્રવેશ મળી ચૂક્યો છે. કોલેજના આચાર્ય ડો. મનીષ પંડયાના જણાવ્યા પ્રમાણે, એફ.વાય. બી.કોમ.માં 900 બેઠક માટે 1467 ફોર્મ ભરાયાં હતા. જેમાંની પ્રથમ મેરિટ યાદીમાં 849 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જનરલ કેટેગરીમાં 472 માર્ક્સે, એસ.ટી.માં 310 માર્ક્સે, એસ.સી.માં 228 માર્ક્સે, ઓબીસીમાં 364 માર્ક્સે પ્રવેશ અટક્યો હતો. એસ.સી. અને એસ.ટી.માં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાયો છે. હજુ પણ જનરલ કેટેગરીમાં 499 વિદ્યાર્થીઓ અને ઓબીસીના 119 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે પ્રતીક્ષા યાદીમાં છે. હવે અસલ પ્રમાણપત્રની ચકાસણી કરાશે. મેરિટ નંબર 1થી 210 ક્રમના વિદ્યાર્થીઓએ તા.21/6ના, 211થી 420 નંબરના વિદ્યાર્થીઓએ તા. 22/6ના, 421થી 630 નંબરના વિદ્યાર્થીઓએ 23/6ના, 631થી બધા વિદ્યાર્થીઓએ તા. 25/6ના દસ્તાવેજ ચકાસણી માટે આવવાનું રહેશે. વિદ્યાર્થીઓએ સવારે 9થી 12.30 દરમ્યાન અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવી લેવાની રહેશે. ભુજ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા મળેલી વિગત મુજબ, પ્રથમ યાદીમાં જનરલ કેટેગરીમાં 307 છાત્રો 466 ગુણ સાથે 66.57 ટકાના કટ ઓફ સાથે સમાવાયા છે, જ્યારે ઓબીસીના 130, એસ.સી.ના 56 અને એસ.ટી.ના બે વિદ્યાર્થીનો યાદીમાં સમાવેશ થાય છે. તા.20/6થી 23/6 સુધીમાં સવારે 9થી 12 વાગ્યા દરમ્યાન જરૂરી પ્રમાણપત્રો રજૂ કરીને છાત્રોએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer