વહેલા નિદાનથી કેન્સર,થેલેસેમિયા મટી શકે

મુંદરા, તા. 19 : તાલુકા હેલ્થ ઓફિસ અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ગર્ભાશય તથા સ્તન કેન્સરના વહેલા નિદાન અને સારવાર માટે મુંદરા તાલુકામાં એક અભિયાન હાથ ધરાયું છે. તે અંતર્ગત મુંદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 65, ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 26 તથા ભુજપુરમાં 54 બહેનોને લગતા રોગની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી વધુ સારવાર માટે 20 બહેનોને શોધી કાઢવામાં આવ્યાં હતાં.આ દર્દીઓને ભુજની અદાણી (જી.કે. જનરલ) હોસ્પિટલ ખાતે મેગા કેમ્પમાં વિશેષ નિદાન કરીને સંપૂર્ણ સારવાર કરાવવામાં આવશે એવું અદાણી ફાઉન્ડેશનનાં પંક્તિબેન શાહે જણાવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા ફાઉન્ડેશનના મનહર ચાવડા, કિશોર ચાવડા, રાધિકાબેન તથા મયૂર ગરવા સહયોગી રહ્યા હતા. કેમ્પમાં ત્રીરોગ નિષ્ણાત ડો. રિદ્ધિબેન, ડો. ઉર્વાંગીબેન, ડો. ધ્વનિબેને નિદાન-તપાસણી કર્યા હતા. આ સાથે રેડક્રોસ સોસાયટીના જિલ્લા પ્રમુખ અરુણ જૈન તથા થેલેસેમિયા પ્રોગ્રામ ઈન્ચાર્જ તુષાર ઠક્કરના માર્ગદર્શન હેઠળ મુંદરામાં 34, ઝરપરામાં છ તથા ભુજપુરમાં 15 બહેનોની થેલેસેમિયા તપાસ ટેકનિશિયન હિતેશ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. થેલેસેમિયા એ વારસાગત-આનુવંશિક છે અને બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ એ એકમાત્ર ઉપચાર માનવામાં આવે છે ત્યારે આ અભિયાન દ્વારા મુંદરાનાં બહેનોને વહેલું નિદાન અને સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે એવું રેડક્રોસ સોસાયટી- મુંદરાના પ્રમુખ સચિન ગણાત્રાએ જણાવ્યું હતું. કેમ્પમાં કવિતા ગણાત્રા, નિપેન ભટ્ટ, પરેશ સોની, લલિત સોની, નિખિલ ચોથાણી તથા ડો. હર્ષદ ગોસ્વામી સહયોગી રહ્યા હતા. આ ઉપરાંત સંકલિત બાળ વિકાસ યોજના અને અદાણી ફાઉ.ના સહયોગથી મુંદરામાં 22 તથા ભુજપુરમાં 17 બાળકોની તપાસ બાળરોગ નિષ્ણાત ડો. ત્રિયાંક શુક્લા દ્વારા કરવામાં આવી હતી. જેમાં આઈ.સી.ડી.એસ.નાં હિનાબેન પટેલ સહયોગી રહ્યાં હતાં. કેન્સર અને થેલેસેમિયાથી વહેલા નિદાનથી મુક્તિ મેળવી શકાય તે હેતુથી મુંદરા તાલુકાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોજાઈ રહેલા અને હવે પછી 21/6ના કાંડાગરા, 25/6ના નાની તુંબડી, 28/6ના વાંકી, 3/7ના રતાડિયા તથા 5/7ના ભદ્રેશ્વર ખાતે યોજાનાર કેમ્પમાં આસપાસનાં ગામોના લોકોને લાભ લેવા તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાએ એક યાદીમાં જણાવ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer