ભુજ મંદિરે વિવાદી સ્વામીનાં ભગવાં પરત લઈ લીધાં

ભુજ, તા. 17 : શહેરના સૌથી મોટા એવા સ્વામિનાયરાણ સંપ્રદાયના મુખ્ય નરનારાયણદેવ મંદિરમાં સંન્યસ્ત થઈને છ વર્ષથી સાધુ સ્વરૂપે રહેતા મૂળ ગોડપર ગામના ચંદ્રપ્રકાશદાસજી સ્વામીના મોબાઈલમાં બીભત્સ ક્લિપિંગ અને અલગ અલગ મહિલાઓ સાથેના સંબંધો ઉજાગર થયા બાદ જાગેલા વિવાદે શનિવારથી અણધાર્યો વળાંક લીધો છે. એક તરફ સાધુ યુવાને સંસારમાં ઘરવાપસી કરી છે અને પોતાને ગોંધી રખાયાનો આક્ષેપ કર્યો છે, બીજી તરફ  મંદિર ટ્રસ્ટીઓએ આ સ્વામી મંદિર સંપ્રદાયના નિયમો પાળતા નથી અને પૂરતા પુરાવા સામે આવતાં તેમના પરિવારને વિશ્વાસમાં લઈ તેમને સંસારમાં પરત મોકલાયા છે તેવી સ્પષ્ટતા કરી છે. દરમ્યાન, સંસારી બનેલા રસિક કેરાઈએ મંદિરના અન્ય 12 જેટલા સાધુસંતો-સાંખ્યયોગી બહેનો પણ દુરાચારમાં ફસાયેલી હોવાનો નામજોગ આક્ષેપ ઈલેકટ્રોનિક મીડિયા સમક્ષ કરતાં ચકચાર મચી છે. છેલ્લા 20-25 દિવસથી સોશિયલ મીડિયામાં ભુજ સ્વામિ. મંદિરના યુવા સાધુ સ્વામી ચંદ્રપ્રકાશદાસજીના મોબાઈલ-માંથી મળેલી બીભત્સ તસવીરો અને કોઈ સમક્ષ આ સાધુએ કરેલી મૌખિક કબૂલાત વહેતી થઈ પણ તેના પર અંશકાલીન પરદો પાડી દેવાયો પરંતુ શનિવાર રાતથી ગોડપર સ્થિત સ્વામીના કુટુંબીજનોએ યુવા સાધુને મંદિરમાં જ ગોંધી રાખ્યાનો આક્ષેપ કર્યો હતો. દરમ્યાન, ભુજ સ્વામિ. મંદિરે ટ્રસ્ટીના અવાચ્ય નામ સાથે બહાર પાડેલી પ્રેસનોટમાં સોશિયલ મીડિયામાં ફરતી ક્લિપો પાયાવિહોણી ગણાવી 12 સંતોના નામ પણ તદ્દન પાયાવિહોણા બતાવી ભુજ મંદિર સંતોની આગવી પરંપરાનુસાર જ વર્તે છે અને એ નિયમો મહંતસ્વામી તથા વડીલ સંતોની અને ગુરુ પરંપરાની અવજ્ઞા કરનારા ચંદ્રપ્રકાશદાસજી સ્વામીને સંસ્થામાંથી છૂટા કરાયા છે તેવું જણાવ્યું છે. આ યુવાન સાધુ વિવાદમાં આવ્યા ત્યારથી તેમને સાચવવામાં આવ્યા છે. ગોંધી રખાયા નથી. આ સ્વામી અગાઉ પણ નિયમ વિરુદ્ધ પકડાયા હતા. હાલમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા સંપ્રદાયના ઓડિયો કે દૃશ્યો હેતુપૂર્વક વાયરલ કરીને મંદિર-સંપ્રદાય તથા સંનિષ્ઠ સાધુઓને યોજનાપૂર્વક બદનામ કરવામાં આવી રહ્યાનો પ્રતિઆક્ષેપ કરતી યાદીમાં સંપ્રદાયના સત્સંગીઓને પણ ઉશ્કેરાટ કે આવેશમાં આવી કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે તેવી તમામ વડીલસંતોની અપીલ પણ કરાઈ છે. સાથોસાથ અન્ય કોઈ સંત વિરુદ્ધના આક્ષેપોના પુરાવા હશે તો તે ધ્યાને લઈ સંપ્રદાયના નિયમ મુજબ વડીલસંતો નિર્ણય કરશે તેવી પણ ખાતરી આપી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer