સંઘડમાં પવનચક્કીવાળાઓને ભાગવું ભારે પડયું

સંઘડમાં પવનચક્કીવાળાઓને ભાગવું ભારે પડયું
સંઘડ (તા. અંજાર), તા. 17 : થોડા સમય પહેલાં આ ગામે સરકારી ગૌચર જમીનમાં પવનચક્કી નાખવાના વિરોધ થકી કામ બંધ રહ્યા બાદ રવિવારે ફરી મોટા હિટાચી મશીન, ટ્રકો અને પોલીસ બંદોબસ્ત સાથે આવેલા ખાનગી કંપનીના લોકોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડયો હતો અને તેમને ભાગવું ભારે પડયું હતું. અંજાર તાલુકાનાં સંઘડ ગામે સરકારી ગૌચર જમીનમાં પવનચક્કી નાખવાના વિરોધમાં થોડા સમય પહેલાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપી કામ બંધ રખાવ્યું હતું અને સંપૂર્ણ સ્થળ ચકાસણી કર્યા બાદ જ પવનચક્કી નાખવાની કામગીરી થાય તેવી માંગ કરી હતી, જેનાં કારણે થોડો સમય આ કામગીરી બંધ રહ્યા બાદ રવિવારે મારુતિ વિન્ડફાર્મ કંપનીના મોટા બે હિટાચી મશીન, ટ્રકો અને પોલીસ કાફલા સાથે કામગીરી કરવા આવી પહોંચ્યા હતા, પરંતુ ગ્રામલોકોએ પ્રતિકાર કરતાં શરૂઆતમાં પોલીસે યુવાનોને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો કર્યા હતા. આ દરમ્યાન ગામની માતાઓ, બહેનો સાથે 1500થી 2000 લોકોની સંખ્યા સામે કંપનીવાળાઓને ભાગવું ભારે પડયું હતું અને પોલીસના ભારે પ્રયત્નો બાદ તેઓ નીકળી શક્યા હતા. ગામલોકોએ એકતા સાથે એક જ માંગ કરી હતી કે, પહેલાં ગાયોની સંખ્યા સામે ગૌચર જમીન નીમ કરવામાં આવ્યા બાદ જ પવનચક્કી નાખવામાં આવે તેમજ હાલ આ બાબતે તપાસ ચાલુ હોઇ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇ જ કામગીરી કરવામાં ન આવે તથા કલેકટર, કંપની અને ગ્રામજનો સાથે સંકલન કરી કામગીરી કરવામાં આવે અન્યથા ઘર્ષણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આમ ગ્રામજનોની એકતા સામે કંપની અને પોલીસને કામગીરી વિના પરત ફરવું પડયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer