ડો. જયંત ખત્રી અચ્છા દૃષ્ટા હતા

ડો. જયંત ખત્રી અચ્છા દૃષ્ટા હતા
ભુજ, તા. 17 : ડો. જયંત ખત્રી માત્ર સર્જક જ નહીં પણ એક બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા પુરુષ હતા. એક સાથે અનેક ક્ષેત્રે એમણે બખૂબીથી ખેડાણ કરી પોતાના વ્યક્તિત્વને સમાજની સર્વાંગી સેવામાં ખર્ચ્યું હોવાનું આજે ભુજ ખાતે જણાવાયું હતું. મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના સાર્ધ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પુસ્તકાલયના મ. ભૂપતસિંહજી હોલમાં કચ્છી સમર્થ સર્જક, કામદાર અગ્રણી, ચિત્રકાર અને તબીબ ડો. જયંત ખત્રીની 50મી પુણ્યતિથિના ઉપલક્ષ્યમાં સંસ્મૃતિના સહયોગથી યોજાયેલી ડો. ખત્રીની ત્રિવિધ પ્રતિભાને ઉજાગર કરતી વ્યાખ્યાનમાળામાં વિવિધ વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ અવસરે ડો. ખત્રીએ દોરેલા ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું. ડો. ખત્રીના વ્યક્તિત્વના પાસાંઓ રજૂ કરતી વ્યાખ્યાન માળામાં જાણીતા સાહિત્યકાર કિરીટભાઇ દુધાત, કચ્છી સર્જક અને ચિંતક હરેશ ધોળકિયા તથા ચિત્રકાર નવીન સોનીએ વક્તવ્ય આપ્યા હતા. વ્યાખ્યાનમાળાનું મુખ્ય વક્તવ્ય આપતાં જાણીતા સર્જક કિરીટભાઇ દુધાતે `ડો. જયંત ખત્રી એક સર્વકાલીન સર્જક' એ વિષયના પોતાના વ્યાખ્યાનમાં તેમના તમામ સર્જનની સમાલોચના કરતાં ડો. ખત્રીને અચ્છા દૃષ્ટા ગણાવ્યા હતા. તેમના દરેક સર્જનમાં દીર્ઘદૃષ્ટિનો પરિચય થતો હોવાનું જણાવી તેમની વાર્તામાં આવતા પ્રસંગોનું નિરૂપણ કર્યું હતું. શ્રી દુધાતે ડો. ખત્રીના સર્વાંગી સર્જનને તેમની કલાનો વિજય ગણાવી તેમણે વિષયના વૈવિધ્યને બખૂબી જાળવ્યું હોવાનો પોતાનો મત વ્યક્ત કરતાં તેમને ગુજરાતના મહાન વાર્તાકાર ગણાવ્યા હતા. ડો. ખત્રીની વાર્તાઓના કથાનકમાંથી પસાર થતાં શ્રી કિરીટભાઇએ તેમની વાર્તાઓના કેન્દ્રમાં સામાન્યજન રહ્યો હોવાનું જણાવી તેમના સર્જનમાં સમાજ માટે કંઇક કરી છૂટવાની પ્રતિબદ્ધતા વ્યક્ત થતી હોવાનું જણાવતાં તેમને એક સાચા કલાકાર ગણાવ્યા હતા. વ્યાખ્યાનમાળાના અન્ય વક્તા ચિત્રકાર નવીન સોનીએ ડો. ખત્રી એક અચ્છા ચિત્રકાર એ વિષયના પોતાના વક્તવ્યમાં ડો. ખત્રીની સાહિત્યકૃતિ ચિત્રના સ્વરૂપે દેખાતી હોવાનું જણાવી તેમને અચ્છા અને સર્વાંગી ચિત્રકાર લેખાવ્યા હતા. એમના ચિત્રો પ્રસંગોને જીવંતતા આપતા હોવાનો પણ નવીનભાઇએ મત વ્યક્ત કર્યો હતો. ડો. ખત્રીના સમયના દેશના સમર્થ ચિત્રકારો સાથે તેમના ચિત્ર પ્રસિદ્ધ થતા હોવાનો આનંદ વ્યક્ત  કરી તેમણે ડો. ખત્રીની સમગ્ર ચિત્રકળાની સફર કરાવી હતી. કચ્છના સાહિત્યકાર, લેખક અને ચિંતક હરેશભાઇ ધોળકિયાએ ટ્રેડ યુનિયનના પ્રણેતા ડો. જયંત ખત્રી એ વિષય પર પોતાનું વક્તવ્ય આપતાં ડો. ખત્રીને બહુઆયામી વ્યક્તિત્વના સ્વામી ગણાવ્યા હતા. કચ્છમાં કરેલી કામદાર પ્રવૃત્તિની પહેલની વાત કરી હતી. માંડવીમાં નાવિક મંડળના આરંભથી લઇ કંડલા પોર્ટના ટ્રસ્ટી સુધીની તેમની કામદાર હિતની સફરની વિગતો આપતાં તેમણે કંડલા પોર્ટ ટ્રસ્ટના યુનિયન, ભચાઉની કિસાન સભા તથા એસ.ટી. કામદાર મંડળની રચનામાં ડો. ખત્રીના યોગદાનની વિગતો આપી હતી. આ અગાઉ પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે આવકાર આપતાં સંસ્થાના સાર્ધ શતાબ્દી મહોત્સવની વિગતો આપી હતી. શ્રીમતી કસ્તૂરબેન ટોકરશી ગાલા (મોટી ખાખર) તરફથી કલ્યાણજીભાઇ ગાલા મારફતે સંસ્થાને મળેલા ફર્નિચર સહિતના 2300થી વધારે પુસ્તકો કાંતિસેન શ્રોફ પરિવારના દીપેશભાઇ શ્રોફે આ પ્રસંગે પુસ્તકાલયને અર્પણ કર્યા હતા. આ અવસરે વી.આર.ટી.આઇ.ના નિયામક માવજીભાઇ બારૈયા તથા ગોરધન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓનો પરિચય કારોબારી સભ્ય નરેશ?અંતાણીએ આપ્યો હતો. આ અવસરે વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રી, સંસ્મૃતિના પ્રમુખ જશુભાઇ સોની, પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ઠક્કર મંચસ્થ રહ્યા હતા. પુસ્તકાલયના કારોબારી સભ્યોએ સહયોગ આપ્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ સંજય ઠાકરે સંચાલન તથા મંત્રી કરમશી પટેલે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે  ડો. ખત્રીના પરિવારજનો ઉપરાંત રત્નાકર ધોળકિયા, ડો. કાંતિભાઇ ગોર, ડો. દર્શના ધોળકિયા, લીલાધર ગડા, શિવદાસભાઇ પટેલ, કનુભાઇ જોશી સહિત સાહિત્યરસિકો, સાહિત્યસર્જકો અને પુસ્તકાલયપ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer