કોડાયમાં કેન્સર વિશેની આગોતરી તપાસના કેમ્પમાં 26 જણ ચકાસાયા

માંડવી, તા. 17 : શહેરની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટર દ્વારા કેન્સરના વહેલા નિદાન અને સારવાર માટે અભિયાન હાથ ધરાયું છે.સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને ટ્રસ્ટી દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ તાજેતરમાં કોડાય પ્રાથમિક અને આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.)માં કેન્સરના વહેલા નિદાન અને સારવાર અંતર્ગત યોજાયેલા કેમ્પમાં 10 પુરુષો, 15 મહિલાઓ અને એક બાળક સહિત કુલ 26 વ્યક્તિઓની તપાસણી થઈ હતી. આ કેમ્પમાં સંસ્થાના ડો. જયેશભાઈ મકવાણા અને ડો. મંજુબેન જાડેજાએ નિદાનાત્મક કાર્ય કરેલું હતું. કોડાય પી.એચ.સી. સ્ટાફના વિશાલ અગ્રાવત અને રૂબીનાબેન ખત્રી તેમજ સંસ્થાના રમેશભાઈ મારવાડા અને ગીતાબેન પટેલે જહેમત ઉઠાવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા પ્રથમ કેમ્પ ગુંદિયાળી, બીજો કેમ્પ તલવાણા અને ત્રીજો કેમ્પ કોડાય ગામે યોજાયો હતો. હવે ચોથો કેમ્પ નાના આસંબિયા ગામે યોજાનાર હોવાનું સંસ્થાના ઉપપ્રમુખ ભાવનાબેન ઉદેશી, મંત્રી સંજયભાઈ ડી. મહેતા (ડગાળાવાલા), ખજાનચી ડો. હર્ષદભાઈ ઉદેશી અને સહમંત્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું. માંડવી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.)માં યોજાઈ રહેલા અને હવે પછી યોજાનાર કેન્સર નિદાન અને સારવાર કેમ્પમાં ત્રીઓના ગર્ભાશયના કેન્સર, ત્રીઓના સ્તન કેન્સર અને પુરુષોના મોઢા (મુખ)ના કેન્સરનું વહેલું નિદાન કરવામાં આવે છે. વહેલા નિદાનના કારણે કેન્સરમાંથી મુક્તિ મળશે એમ ડો. મકવાણાએ જણાવ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer