ભુજમાં સ્વચ્છ વહીવટનો કોલ

ભુજમાં સ્વચ્છ વહીવટનો કોલ
ભુજ, તા. 12 : ભાજપમાં અનેક કાવાદાવાના અંતે ભુજ સુધરાઇના પ્રમુખપદે લતાબેન સોલંકી અને ઉ5પ્રમુખપદે ડો. રામ ગઢવીનાં નામોની જાહેરાત કરાઇ હતી, જેને મને-કમને સૌએ સાથે મળી તાળીઓના ગડગડાટથી આવકારી હતી. જો કે, લોહાણા સમાજનાં નામોની બાદબાકી થતાં હવે ભાડાના ચેરમેનપદે આ સમાજમાંથી નામ જાહેર કરાય તેવી શક્યતાઓ પ્રબળ બની ગઇ છે. નવનિયુક્ત પ્રમુખ લતાબેન સોલંકીએ સુધરાઇનો સ્વચ્છ અને પારદર્શક વહીવટ ચલાવવાની ખાતરી આપી ભ્રષ્ટાચાર કોઇ કાળે સાંખી નહીં લેવાય તેવું સ્પષ્ટ જણાવી સ્વતંત્ર નિર્ણય માટે 5ણ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, વિકાસનાં કાર્યોને પ્રાથમિકતા અપાશે. ભુજમાં પાણી સમસ્યા આમ તો ઘટી છે પણ તેમ છતાં તેને દૂર કરવા સાથે અન્ય લોક- સમસ્યાઓ ઉકેલવા સતત પ્રયત્નશીલ રહેવા ખાતરી ઉચ્ચારી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે લતાબેન વર્ષ 2001થી 2002ના સમયગાળામાં સુધરાઇના ઉપપ્રમુખપદે સેવા આપી ચૂક્યાં છે. ઉપપ્રમુખ ડો. રામ ગઢવીએ સમસ્યાઓરૂપી પડકારને પહોંચી વળવાની ખાતરી આપી સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું. આમ તો ઉપપ્રમુખ વહીવટમાં અળગા રહેતા હોય છે, ત્યારે તેમનો કેવો રુખ રહેશે તેવું પૂછતાં તેમણે જણાવ્યું કે, દરેક હોદ્દેદાર તેમની રીતે કાર્યરત જ હોય છે અને તેઓ પણ ટીમવર્ક સાથે લોકસમસ્યા ઉકેલવા તૈયાર રહેશે તેમ ઉમેર્યું હતું. અહીં નોંધવું ઘટે કે રામભાઇ માજી પ્રમુખ અને હાલે કે.ડી.સી.સી. બેંકના ચેરમેન એવા દેવરાજ ગઢવીના નાના ભાઇ થાય છે. અગાઉ ભુજ સુધરાઇની ખાસ સામાન્ય સભા પ્રાંત અધિકારી શ્રી જાડેજા, નાયબ મામલતદાર શ્રી કતિરા, મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાના અધ્યક્ષસ્થાને મળી હતી. પ્રારંભે નગરસેવિકા ગોદાવરીબેન ઠક્કરે લતાબેન સોલંકીના નામની દરખાસ્ત મૂકી હતી, જેને ટેક્સ કમિટીના ચેરમેન રેશ્માબેન ઝવેરીએ ટેકો જાહેર કર્યો હતો, જ્યારે ઉપપ્રમુખપદ માટે કારોબારી ચેરમેન શૈલેન્દ્રાસિંહ જાડેજાએ ડો. રામ ગઢવીના નામની દરખાસ્ત કરી હતી, જેને કૌશલ મહેતાએ ટેકો આપ્યો હતો અને કોઇ અન્યએ ઉમેદવારી ન કરતાં આગામી અઢી વર્ષ માટે સર્વાનુમતે ભુજના વિકાસ માટેનું સંચાલન સોંપાયું હતું. આ પહેલાં ભાજપ કાર્યાલયે મોવડીઓ, હોદ્દેદારો, નગર- સેવકોની બેઠક મળી હતી, જેમાં બંને નામોની જાહેરાત કરાઇ હતી અને ત્યારબાદ સુધરાઇ ખાતે સભા યોજાઇ હતી. બંને નવનિયુક્તોને ફૂલોના હાર, ઢોલ-શરણાઇ સાથે વાજતે- ગાજતે વધાવાયા હતા. આ સભામાં સુધરાઇ પ્રમુખ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રાસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, નવીન લાલન, કિરીટ સોમપુરા, દેવરાજ ગઢવી, દિલીપ શાહ, જયંત લિંબાચિયા તેમજ શાસક-વિપક્ષના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, નામો જાહેર થયા બાદ રેસમાં કયા અગ્રણીની કારી ફાવી ગઇ અને કારોબારી ચેરમેન અને ભાડાના ગણિત સાથે કોણ પોતા પાસે ભુજના વહીવટની ચાવી રાખવા માગે છે તે ચિત્ર સ્પષ્ટ થયાની પણ ચર્ચા શરૂ થઇ ગઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer