કચ્છના સ્થાપત્યના વારસાની સંભાળ જરૂરી

કચ્છના સ્થાપત્યના વારસાની સંભાળ જરૂરી
મુંદરા, તા. 12 : કચ્છના સ્થાપત્યનો કલા વારસો ઠેર ઠેર અને નધણિયાતો હોય એમ પડયો છે તેવી ચિંતા જાણીતા પુરાત્વવિદ્ દિલીપભાઇ વૈદ્યે અત્રે સ્પંદન આયોજિત અને કચ્છી ઇ-સામાયિક વાધોડ પ્રકાશિત `કચ્છજા ભીત છાજ ચિતર'ના ઇ-બુકના લોકાર્પણ પ્રસંગે કરી હતી. શ્રી વૈદ્યના વિદ્વતાસભર પ્રવચનમાં નગરના પ્રખ્યાત મર્હુમ નગારાવાદક સુલેમાન જુમ્મા, કવિ ચમન અને દુલેરાય કારાણીને યાદ કરી કચ્છમાં પુરાતત્વની દ્રષ્ટિએ જોવાલાયક સ્થળોની વિસ્તૃત માહિતી આપી જણાવ્યું હતું કે, કેરાની ગુલમાલી પીરની દરગાહ, કેરાનું મંદિર ઉપરાંત યહુદીઓનું કબ્રસ્તાન, પારસી આરામ ગૃહ (કબ્રસ્તાન) અંજારનો મેકમર્ડોની મેડી, ધમડકાની કૂતરાની અને ભુજમાં બિલાડીની કબર ઉપરાંત ભગવાન બુદ્ધના ઘણાં અવશેષો કચ્છમાં જોવા મળે છે. ભદ્રેશ્વરની મસ્જિદમાં ચિત્રો નથી પણ પથ્થરમાં કોતરાયેલી લિપિ છે. ઇ.સ. 125નો ગોણિયાસરનો લેખ ઉપેક્ષિત રીતે પડયો છે તેવું જણાવી તેમણે જ્ઞાન એ અજ્ઞાન કરતાં ઘણું નાનું છે તેવું જણાવ્યું હતું. અન્ય વક્તા કચ્છ હસ્તકલાના અભ્યાસુ એ.એ. વઝીરે કચ્છમાં કાપડ ઉપર જોવા મળતી વિવિધતા રંગ અને આકારનો વિસ્તાર પ્રમાણે જોવા મળતો તફાવત અને કમાંગર ચિત્રકારોએ ભુજના પ્રખ્યાત સોની કામ માટે તૈયાર કરેલી અસલ ડીઝાઇનો રજૂ કરી જણાવ્યું કે લગભગ સમગ્ર દેશના ટેક્સટાઇલના નમૂના મારી પાસે છે. આ અંતરમુખી વકતાએ ખુલ્લીને વાત કરતાં કહ્યું કે કમાંગર ચિત્ર શૈલીના ચિત્રો અને કાપડનું સંરક્ષણનું કામ થાય એ જરૂરી છે. જ્યારે પત્રકાર સંશોધક અને કચ્છના ભીત અને છત ચિત્રોનું દસ્તાવેજીકરણ કરનાર મણિલાલ ગાલાએ પાવર પ્રેઝન્ટેશનની મદદથી કચ્છના વિવિધ વિસ્તારોમાં આવેલા ભીંત છત ચિત્રો વિશાળ પડદે રજૂ કર્યા હતા. સિનુગ્રા, વીઢ, તેરા, વાડાપદ્ધર, સુજાપર, લાલા, મુંદરા, લખપત, તેરા, ગોધરા, કુંભારિયા, ફરાદી, થાનજાગીર, નલિયા, બેરાજા, અંજાર, પરજાઉ, સાંયરા સહિતના વિસ્તારોના ચિત્રો રજૂ કરીને આ મુદે્ પ્રદીપભાઇ ઝવેરીએ કરેલા કામની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ દસ્તાવેજીકરણ માત્ર કચ્છી ભાષામાં નહીં પણ કોઇપણ ભાષામાં થયેલું અત્યાર સુધીનું સમૃદ્ધ દસ્તાવેજીકરણ છે. તેમ છતાં હજુ ઘણું કામ કરવાનું રહી પણ જવા પામ્યું છે. શ્રી ગાલાના કામની કદર રૂપે `સ્પંદન' તરફથી તેમને દિલીપભાઇના હસ્તે સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે શ્રી વૈધનું સન્માન મુંદરાના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અશોકભાઇ ચૌધરીએ, શ્રી વઝીરનું સન્માન કિશનભાઇએ કર્યું હતું. આ પ્રસંગે જાણીતા તસવીરકાર નટુભાઇ વ્યાસે તેમણે ખેંચેલી તસ્વીરની વાત કરી હતી. જ્યારે હીરાલાલ બલવા, નયન રાણા, પ્રમોદ જેઠી, સલીમ વઝીર, પ્રવીણભાઈ, દલપતભાઇ દાણીધારિયા, હસમુખભાઇ મચ્છર, નક્ષત્ર બ્યુટિકના ડો. ભગુભા ગઢવી, ભાવીન ઠક્કર, શામજીભાઇ મહેશ્વરી, જે.પી. પઢિયાર, ભૂપેન્દ્ર મહેતા, મહેન્દ્રસિંહ જાડેજા, વીરેન્દ્ર આચાર્ય, સમિર ચોથાણી, મુંદરાના કમાંગર ચિત્રકારો, નકુલ કાપડી, જયેશ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશ્નોતરી કાળ દરમ્યાન પણ જિજ્ઞાસુઓએ વિષયને અનુરૂપ પ્રશ્નો પૂછયા હતા. મુંદરાના કલુભા વાઘેલા કે જેમના ઘરમાં કમાંગરી ચિત્રો છે તેમણે પ્રદીપભાઇ મહેતા લિખિત પુસ્તક રજૂ કર્યું હતું. 1350થી વધુ ચિત્રો અને ચિત્ર સાથેની નાની નોંધ સી.ડી.માં સમાવેશ કરવામાં આવી છે. જ્યારે મણિલાલના પુત્ર પરજન્યએ અંગ્રેજી કચ્છી એપની માહિતી આપી ને એપને ડાઉનલોડ કરવા અને અંગ્રેજીનો કચ્છી અર્થ કેમ શોધવો તેની સમજ આપી હતી. આ પ્રસંગે હીનાબેન મણિલાલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અશ્વિન ઝિંઝુવાડિયાએ અને આભારવિધિ અશોક ચૌધરીએ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer