`માતૃભાષા'' સાથે કુમાર કેળવણીને પ્રોત્સાહન

`માતૃભાષા'' સાથે કુમાર કેળવણીને પ્રોત્સાહન
ભુજ, તા. 12 : કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે દીપક ચા ગ્રુપ અને કચ્છમિત્ર દ્વારા 2015થી ચાલતી `ઘર ઘર દીપક' શિષ્યવૃત્તિ યોજનામાં 51 છાત્રાઓને દરેકને રૂા. પાંચ-પાંચ હજારની સ્કોલરશિપ આપવામાં આવે છે. આ પહેલને ભારે આવકાર મળ્યો છે અને અનેક વિદ્યાર્થિનીઓએ આ રકમ અભ્યાસ માટે ઉપયોગી અને પ્રોત્સાહક બની હોવાનું કબૂલ્યું છે. આ વખતે ચોથા વર્ષે યોજનામાં વધુ એક પાસું ઉમેરીને માતૃભાષા - `ગુજરાતી'ને પ્રોત્સાહન આપતું નવું પાસું ઉમેરવામાં આવ્યું છે. ગુજરાતી વિષયને વિશેષ મહત્ત્વ આપતી આ નવી પહેલ વિદ્યાર્થીઓ એટલે કે કુમાર માટે છે. કેળવણી વર્ષ 2017-18નાં પરિણામ આવ્યાં તેમાં હાલમાં ધો. 8થી 12ની પરીક્ષા પાસ કરનાર કોઇ પણ પ્રવાહના વિદ્યાર્થી (કુમાર)એ ગુજરાતી વિષયમાં 75થી વધુ ગુણ મેળવ્યા હોય તો યોજનામાં ભાગ લઇ શકશે. તેમણે પોતાની માર્કશીટ 89800 49634 પર વોટ્સએપ કરવી. એ સિવાય દીપક ચા પ્રા. લિ., મેઈન બજાર, ધાટિયા ફળિયા નજીક, ભુજ ખાતે ડ્રોપ બોક્સમાં તેની નકલ નાખી શકાશે. આવેલી એન્ટ્રીનો ડ્રો કરવામાં આવશે અને તેમાં 10 વિજેતાની પસંદગી કરીને દરેકને રૂા. અઢી-અઢી હજારનું ઇનામ આપવામાં આવશે. ધો. 8મું પાસ કરનાર છાત્રોએ 100 ટકાના ધોરણે માર્કસની ગણતરી કરીને એન્ટ્રી મૂકવી. આ પહેલ `ઘર ઘર દીપક' શિષ્યવૃત્તિ યોજનામાં મીડિયા સહયોગીની ભૂમિકા ભજવતા અખબાર કચ્છમિત્રની છે. અત્રે એ નોંધનીય છે કે ગયા વર્ષે શિષ્યવૃત્તિ વિતરણ સમારંભમાં મુખ્ય મહેમાન અને જન્મભૂમિ પત્રોના મેનેજિંગ એડિટર કુંદન વ્યાસે સૂચન કર્યું હતું કે કન્યા કેળવણીને મળતા પ્રોત્સાહનને લીધે છાત્રાઓ અભ્યાસમાં આગળ વધી રહી છે, કુમાર પાછળ રહી જાય છે. આમ કુમાર કેળવણીને પણ પ્રોત્સાહન મળે એ માટે માતૃભાષાના સંવર્ધન સાથે કુમાર કેળવણીને સાંકળી લેવામાં આવી છે. અત્રે એ નોંધનીય છે કે ઘર ઘર દીપક શિષ્યવૃત્તિ માટે કચ્છની દરેક ભણતી દીકરીઓની નોંધણીએ ચાલુ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer