કચ્છનાં આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલોમાં તબીબોની ખાલી જગ્યા પૂરવા બેઠક

કચ્છનાં આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલોમાં  તબીબોની ખાલી જગ્યા પૂરવા બેઠક
ભુજ, તા. 12 : કચ્છના આરોગ્ય કેન્દ્ર-હોસ્પિટલોમાં તબીબોની ખાલી જગ્યા પૂરવા બેઠક અદાણી મેડિકલ કોલેજ ખાતે યોજાઇ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ તબીબી છાત્રો સાથે ચર્ચા કરી અભિપ્રાયો મેળવ્યા હતા. તેમણે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું. મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવે પણ ચર્ચા કરી તબીબી છાત્રોને સરકારી સેવાઓમાં જોડાવા અનુરોધ કર્યો હતો. સીડીએચઓ ડો. પાંડેના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર/રેફરલ હોસ્પિટલોમાં તબીબોની જગ્યાઓ ખાલી છે તે ભરવા માટે નેશનલ હેલ્થ મિશન દ્વારા વિશેષ પગાર એક લાખ એંસી હજારથી બે લાખ પચાસ હજાર નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગાંધીધામ અને માંડવી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર/રેફરલ હોસ્પિટલમાં મુંદરા, નખત્રાણા, રાપર, ભચાઉ, ખાવડા આ જગ્યાઓ ભરવાની છે જેમાં ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશન, રેડિયોલોજિસ્ટ, એનેસ્થિયાલોજિસ્ટ, ઓર્થોપેડિક, ફિઝિશિયન, સાઇકેટિસની જગ્યા ભરાય તે હેતુસર રેસિડેન્ટ તબીબો સરકારી સેવાઓમાં જોડાય એ માટે ડીડીઓ શ્રી જોશીએ માહિતી આપી હતી. આ બેઠકમાં મેડિકલ કોલેજના ડીન ડો. ગુરુદાસ ખીલનાની, અદાણી હોસ્પિટલના સુપરિ. ડો. એન. એન. ભાદરકા, સિવિલ સર્જન ડો. જિજ્ઞા ઉપાધ્યાય, અધિક જિ. આરોગ્ય અધિકારી ડો. આર.કે. ભાર્ગવ ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer