17 ગામમાં ચાર લાખ કિલો ચારાનું નીરણ

17 ગામમાં ચાર લાખ કિલો ચારાનું નીરણ
માંડવી, તા. 12 : અહીંની જીવદયા ક્ષેત્રે માંડવી ચેમ્બરના પશુ રક્ષા અભિયાનમાં લીલા ચારા નીરણ પ્રોજેક્ટમાં 100 ગાડીઓ દ્વારા રૂપિયા 11 લાખના ખર્ચે ચાર લાખ કિલો ચારો 17 ગામોમાં મોકલાતાં ગાયમાતાને થોડી રાહત પહોંચાડાઈ હતી. ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસભાઈ શાહ, માનદમંત્રી નરેન્દ્રભાઈ સુરુ, ખજાનચી ચંદ્રસેનભાઈ કોટક, લીલાચારા પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચા, જેન્તીભાઈ શાહ, મહેશભાઈ લાકડાવાળા, મહેન્દ્રભાઈ કંદોઈ તથા ડાયાભાઈ ભીમાણી સહિત તમામ ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા 6 વર્ષથી ચાલી રહેલા 60થી 75 દિવસના જીવદયાના અભિયાનમાં હિન્દુઓના પવિત્ર અધિક માસ-મુસ્લિમોના રમજાન મહિનાના કારણે લીલો ચારો કાપવા માટે પૂરતા શ્રમજીવીઓના અભાવે નિર્ધારિત લક્ષ્ય પ્રમાણે લીલો ચારો નીરણ કરવામાં ઓછપ વર્તાય છે. ચેમ્બરના આગેવાનોએ વધારામાં જણાવ્યું કે આ બંને કોમના પવિત્ર મહિનાઓ પૂર્ણ થવાના છે જેથી પૂરતી સંખ્યામાં શ્રમજીવીઓ મળી રહેવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ચારો ખરીદ કરી વિતરણ વ્યવસ્થા સંભાળતા નવીનભાઈ બોરીચાના જણાવ્યા મુજબ જે ગામોમાં ચારો ઓછો પહોંચ્યો છે અથવા બિલકુલ નથી પહોંચ્યો તેવા ગામોને અગ્રતાના ધોરણે પૂરતો ચારો મોકલવાના પ્રયત્નો કરવા માટે માંડવી ચેમ્બર સદાય કાર્યરત છે. માંડવી ચેમ્બરની વિશ્વસનીયતાના કારણે અમને ફંડની તકલીફ પડશે નહીં. નાના લાયજા, ભાડા, મોડકુબા, નાના રતડિયા, મોટા રતડિયા, નાની ઉનડોઠ, નાગ્રેચા, કોટાયા, મોટા કરોડિયા, બાંભડાઈ, સાભરાઈ, માપર, બાયઠ આ ગામોમાં ચારો રોજીંદો મોકલાવ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer