છોકરાઓ ઉઠાવી જનારી કહેવાતી ટોળી સંલગ્ન માહોલથી અફરાતફરી જારી

ભુજ, તા. 12 : નાનાં બાળકોને ઉઠાવી જનારી ટોળકી વિશેની ફરિયાદો અને અફવાઓના પગલે ઉત્તેજનાત્મક તબક્કામાં પહોંચી ચૂકેલા માહોલ વચ્ચે અફવાઓ અને તેના થકી દોડાદોડીનો માહોલ આજે પણ અવિરત રહ્યો હતો. ભુજ અને રામાણિયા ગામે આ પ્રકારના કિસ્સાઓને લઇને આજે નિર્દોષ લોકો જાગૃત લોકોના રોષનો ભોગ બન્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આજે બનેલા બે અલગ-અલગ કિસ્સામાં ભુજમાં ભુજિયા ડુંગરની તળેટીમાં ત્રીનો વેશ ધારણ કરીને ભીખ માગવા માટે નીકળેલો પુરુષ લોકોની નજરે ચડી જતાં તેને ભોગ બનવું પડયું હતું. આ વ્યક્તિને પકડાયા બાદ પોલીસ પણ દોડી ગઇ હતી. તપાસના અંતે કાંઇ વાંધાજનક ન નીકળતાં તેને જવા દેવાયો હતો. જ્યારે કંઠીપટના રામાણિયા ગામે મારુતિ વેન દ્વારા વાસણો વેચવા માટે નીકળેલા ત્રણ વેપારી પણ જાગૃત લોકોની હડફેટે ચડી ગયા હતા. આ ત્રણેય છોકરાઓને ઉઠાવી જવા માટે ફરી રહ્યા હોવાની શંકા સાથે તેમને રોષનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. અલબત્ત, બાદમાં સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઇ હતી. દરમ્યાન, ભુજ અને રામાણિયાની આ ઘટના ઉપરાંત અન્ય બનાવોને લઇને સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દો દિવસભર છવાયેલો રહ્યો હતો. તસવીરો સાથે વાયરલ કરાતી અનેક પોસ્ટે ચકચાર જગાવી હતી. લોકો આ પ્રકારના કિસ્સાઓને લઇને સતર્ક રહે તે વર્તમાન સમયમાં આવશ્યક છે પણ સમજ્યા વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને દોડાદોડી સર્જનારા ઉપર પણ બાજનજર રખાય તેવી લાગણી વ્યક્ત કરાઇ રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer