મા મોગલ વિશે અભદ્ર ટિપ્પણી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરો

મા મોગલ વિશે અભદ્ર ટિપ્પણી  કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરો
નખત્રાણા/મુંદરા, તા. 12: ત્રણ-ચાર દિવસ અગાઉ ફેસબુકના માધ્યમથી જગદંબા સ્વરૂપ મોગલ માતાજી વિશે અભદ્ર ટિપ્પણી, હીન કક્ષાના મેસેજ વાયરલ થવા અંગે ગઢવી સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજની  લાગણી દુભાતાં લોકો દ્વારા નખત્રાણા નાયબ કલેકટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે. જ્યારે મુંદરામાં મા મોગલ સેના દ્વારા આવેદનપત્ર સ્થાનિક મામલતદાર અને પીઆઇને આપવામાં આવ્યું હતું. અભદ્ર અને હીન કક્ષાના શબ્દો વાપરી સૌની ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો વાપરી દેવી શક્તિને બદનામ કરવા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી હિન્દુ સમાજની ભાવનાને ઠેસ પહોંચાડી લાગણી દુભાવેલી છે, તેવું આવેદનપત્રમાં જણાવાયું હતું. આવી વ્યક્તિઓ પર તાત્કાલિક ધોરણે કાનૂની કાર્યવાહી કરવાની સાથે મેસેજ વાયરલ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ સત્વરે કાર્યવાહી હાથ ધરવાની માગણી સાથે જો તેમ નહીં કરવામાં આવે તો નાછૂટકે ગાંધીચીંધ્યા માર્ગે કાર્યવાહી કરાશે તેવી ચીમકી આવેદનપત્રમાં અપાઇ છે. રેલીમાં નખત્રાણા તાલુકા રબારી સમાજ, ગઢવી ચારણ સમાજ, રાજપૂત-યુવા સભા, કરણી સેનાના પ્રમુખ જાડેજા છત્રપાલિસિંહ કે. રાજપૂત, ક્ષત્રિય સમાજ, પશ્ચિમ કચ્છ આહીર સમાજ, સોની સમાજ તેમજ અન્ય સમાજના લોકો જોડાયા હતા. રેલી બસ સ્ટેન્ડથી પ્રાંત કચેરીએ સૂત્રોચ્ચાર સાથે પહોંચી હતી. બીજી બાજુ મુંદરામાં મા મોગલ સેના સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓની 148થી વધુ સહી સાથેના આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અપના અડ્ડા નામના ફેસબુક સોશિયલ મીડિયાની 11 વ્યક્તિ દ્વારા અમારી મા મોગલ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. તેનાથી લોકોની લાગણી દુભાઇ છે. જેથી આવા અસામાજિક તત્ત્વોને અંકુશમાં લાવવા માટે તેમના સામે કાયદેસરના તાત્કાલિક પગલાં લેવામાં આવે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જવાબદારો સામે દિવસ 7માં પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ચારણ સમાજના વિશાળ લોકોએ રેલી સ્વરૂપે જઇ તંત્રને આવેદનપત્ર આપ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer