એક શ્રમજીવીની અધિક માસમાં જીવદયા પ્રવૃત્તિની અનેરી પહેલ

એક શ્રમજીવીની અધિક માસમાં  જીવદયા પ્રવૃત્તિની અનેરી પહેલ
ભુજ, તા. 12 : અહીંની જથ્થાબંધ બજારમાં હાથલારી પર મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવી લાભશંકર શિવશંકર ગોરે પોતાના ઘરે સત્યનારાયણ કથા બેસાડી શ્રાવકોને-પક્ષીઓને પાણી પીવાનાં કૂંડાઓનું વિતરણ કરી અનેરી પહેલ કરી હતી. ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌસવા સમિતિના જણાવ્યા મુજબ, મૂળ માંડવી તાલુકાના રાજડા ટેકરીના વતની છે. લાભુ મારાજ વર્ષોથી ગૌસેવા સમિતિના સક્રિય ગૌભક્ત છે. ભુજમાં ક્યાંય પણ ગૌસેવા માટે ખડ-ભૂંસો ગૌશાળાઓમાં નિ:શુલ્ક પહોંચતા કરવામાં, કૂતરાઓને બાજરાના રોટલાઓ ખવડાવવાના, દરરોજ સવારે ધંધામાં જોતરાય એના પહેલાં અને સાંજના પરવારી ઘરે પરત ફરતા પહેલાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. દર રવિવારે ગૌસેવા સમિતિ દ્વારા જ્યાં-જ્યાં નીરણ કરાવવા માટે ગામડે-ગામડે પાંજરાપોળોમાં જવાનું થાય ત્યારે આ શ્રમજીવી સતત આગલી હરોળમાં હાજર રહે છે. અધ્યક્ષ ફૂલેશભાઈ માહેશ્વરીનો ફોન આવે તો ગમે ત્યારે રાત્રિના સમયે પોતે અને તેમના પુત્ર સાથે, પુત્રના યુવા મિત્રો સાથે મળી બીમાર, અશક્ત ગૌવંશજોને તાત્કાલિક સારવાર માટે પશુ ચિકિત્સાલય પહોંચાડવામાં નિ:સ્વાર્થ ફાળો આપતા રહે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer