નથ્થરકુઇ ગ્રામસભામાં વ્યારાથી કોટડા સુધીનો માર્ગ ગામ સડક યોજના હેઠળ મંજૂર કરવા ઠરાવ

નથ્થરકુઇ ગ્રામસભામાં વ્યારાથી કોટડા સુધીનો  માર્ગ ગામ સડક યોજના હેઠળ મંજૂર કરવા ઠરાવ
નથ્થરકુઇ (તા. ભુજ), તા. 12 : તાજેતરમાં અહીં ગ્રામસભા યોજાઇ હતી, જેમાં 14મા નાણાપંચ તથા અન્ય સરકારી ગ્રાન્ટમાંથી થયેલા લોકોપયોગી કામોની છણાવટ કરી વધુ જરૂરિયાતવાળા કામો જેમાં વ્યારાથી કોટડા સુધીનો 7 કિ.મી.નો નોન પ્લાન માર્ગ મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ મંજૂર કરવા ઠરાવ પસાર થયો હતો. ગામના સરપંચ આહીર રામાભાઇ વીસાભાઇના અધ્યક્ષસ્થાને મળેલી ગ્રામસભામાં લોકોપયોગી વિકાસ કામોના ?ઠરાવોમાં ગામમાં સરકારી હાઇસ્કૂલ માટે જમીન માગવા અને ધો. 11માની મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવા તેમજ નથ્થરકુઇ અને વીંછિયા ગામે મંદિર તથા સમાજવાડીની બાજુમાં શૌચાલય બનાવવા ઉપરાંત નથ્થરકુઇ, વીંછિયા, વ્યારામાં બાકી રહેતી ગટરલાઇન તથા શેરીઓમાં ઇન્ટરલોક પાથરવા તેમજ નથ્થરકુઇમાં આહીર સમાજનું સ્મશાનગૃહ બનાવવા અને ઇલેકટ્રીક સગડી વસાવવા જરૂરી લોકફાળા માટેના ઠરાવો થયા હતા. ગામ તથા આજુબાજુના ગામના ખેડૂતો દ્વારા જળસંચય અભિયાન હેઠળ તળાવોના કામો થયા તે બદલ ખેડૂતોને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે નથ્થરકુઇની સરકારી સ્કૂલમાં મેટ્રીકમાં ઉત્તીર્ણ થયેલા અને ધો. 10 અને 12માં પાસ છાત્રોનું ગામ પંચાયત દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું, જેમાં ખાસ સહયોગી તરીકે કાપડી કાનજીભાઇ હરિરામ પરિવાર રહ્યો હતો. કાનજીભાઇએ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ કરીને કારકિર્દી બનાવવા અનુરોધ કર્યો હતો. આ ગામસભામાં નથ્થરકુઇ જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ આહીર વેલાભાઇ જેઠા, કાપડી કાનજીભાઇ તથા રબારી હીરાભાઇ સોનાભાઇ, આહીર ખેંગારભાઇ, આહીર દાનાભાઇ, આહીર હીરાભાઇ, ચાવડા દિનેશભાઇ, દક્ષાબેન, પાલીબેન રબારી, જીનાભાઇ આહીર, વિશનજી કાપડી, સુરાભાઇ કરમશી, સામતભાઇ રબારી, ભીમાભાઇ કરસનભાઇ, જગદીશભાઇ રબારી, તલાટી કૈલાશબેન પાડોંર વિગેરેએ હાજર રહી વિકાસ કામો બાબતે ચર્ચામાં ભાગ લીધો હતો. સેતુ સંસ્થાના ધવલભાઇઆહીર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આભારવિધિ લખાભાઇ રામાભાઇએ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer