ગીતા એટલે કર્મ, ભક્તિ અને જ્ઞાન સાથે શ્રી કૃષ્ણએ આપેલો વૈદિક સંદેશ : બુદ્ધ ખુદ એક વિચારધારા

ગીતા એટલે કર્મ, ભક્તિ અને જ્ઞાન સાથે શ્રી કૃષ્ણએ આપેલો વૈદિક સંદેશ : બુદ્ધ ખુદ એક વિચારધારા
નખત્રાણા, તા. 12 : તીર્થ પરંપરાના સ્વામી માધવતીર્થના શિષ્ય અને વેદાંત વટવૃક્ષ સતાયુ સ્વામી સ્વરૂપાનંદજી પશ્ચિમ કચ્છના ધાર્મિક-ઐતિહાસિક સ્થળોની તેમના સાધકો સાથે મુલાકાત લઈ આશ્રમના સંતો-મહંતો સાથે ભજન-સત્સંગ સાથે વૈદિક ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. બ્રહ્મસૂત્ર, વેદો, ઉપનિષદો અને ગીતા ઉપરાંત શંકરભાષ્ય સાહિત્યના આધારે તેમણે જિજ્ઞાસુઓને જીવ, ઈશ્વર અને જગત સંબંધિત પ્રશ્નોના સમાધાન આપ્યા હતા. બૌદ્ધ પૂર્ણિમાએ સ્વામીજીએ પોતાના આત્મજ્ઞાની શિષ્યો દિલીપભાઈ ઠક્કર (એડવોકેટ) અને નીલેશ શુક્લ ઉપરાંત નિતેશ સોની સાથે અબડાસા વિસ્તારના ધાર્મિક સ્થળો પૈકી ખાનાય ગામના તાજેતરમાં પુન:નિર્માણ પામેલા ક્ષેત્રપાળ મંદિર અને કલ્યાણેશ્વર મંદિર ઉપરાંત મેઘરાજજી દાદાના રામદેવપીર આશ્રમે મુલાકાત લઈ ઐતિહાસિક રામા સરોવર અને ગોડજીપીર દાદા અને ત્રિલોકનાથજી બાર સમાધિનું નિરીક્ષણ કર્યું હતું. આશ્રમ વતી ગાભાભાઈ રબારીએ સ્વામીજી અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સત્સંગનો દોર ચલાવતાં સ્વામીજીએ ગીતાના કર્મ, ભક્તિ અને જ્ઞાન સાથે કૃષ્ણનો વૈદિક સંદેશ અને બુદ્ધના મધ્યમ માર્ગ પર ચિંતન રજૂ કર્યું હતું. દિલીપભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે બુદ્ધ વ્યક્તિ નહીં, પરંતુ એક સ્થિતિ અને વિચારધારા છે. અને તે વૈદિક સંસ્કૃતિ અંતર્ગત જ છે. સ્વામીજીએ પોતાના સાધકો સાથે પશ્ચિમ કચ્છના નારાયણ સરોવર, માતાના મઢ, પિયોણી, જડેશ્વર વિ. પવિત્ર સ્થળોના દર્શન કરી સંતો-મહંતો સાથે વૈદિક સત્સંગ કર્યો હતો. નખત્રાણા ખાતે ચાલેલા સત્સંગના કાર્યક્રમો દરમ્યાન આર્ષકુટિર, માધાપરના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ તેમના અનુયાયી-ટ્રસ્ટી સાથે સ્વામીજી સાથે મુલાકાત કરી વૈદિક સંસ્કૃતિ પર વિચારવિમર્શ કર્યો હતો. ભારતીય પરંપરા-સંસ્કૃતિ પર સ્વામીજીના જીવનના યોગદાનની પ્રશંસા કરી હતી. સ્વામીજીએ નાના અંગિયા આશ્રમે યોજાયેલ સત્સંગમાં હાજરી આપી હતી. જ્યાં જયામા, યોગીરાજજી અને ભક્તિદેવીએ તેમનું સ્વાગત કર્યું હતું. સ્વામીજીએ આ વિસ્તારમાં પોતાના રોકાણ દરમ્યાન વૈદિક ધર્મના અને જ્ઞાન માર્ગના સાધકો જેઠાભાઈ ભોજાણી, નટુભાઈ ઠક્કર, અખંડઆનંદ માતાજી, હંસાબેન પારસિયા, નીતાબેન સોની, હર્ષિકાબેન ઠક્કર અને પાર્વતીબેન પટેલ વિ. સાથે ભજન-સત્સંગનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આભારદર્શન પ્રિન્સી સોનીએ કર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer