અમદાવાદની ગુજરાતી કેળવણી પરિષદની કચ્છ શાખાનો આરંભ કરાયો

અમદાવાદની ગુજરાતી કેળવણી  પરિષદની કચ્છ શાખાનો આરંભ કરાયો
કોડાય (તા. માંડવી), તા. 12 : ગુજરાતી કેળવણી પરિષદના કચ્છ કેન્દ્રને બૌંતેર જિનાલય ખાતે ખુલ્લો મૂકતા પ્રમુખ મનસુખભાઇ સલ્લાએ કચ્છીઓના વતન પ્રેમની વાસ્તવિકતાને વંદન કરતાં કહ્યું હતું કે, શિક્ષણના અંધારા ઉલેચવા એક આગવો અને આવકાર્ય પ્રયાસ શક્ય બન્યો છે, ત્યારે શિક્ષણ સાથે જોડાયા બાદ સમાજમાં સાચી સમજ સાથે શિક્ષણ આપીશું તો જ પરિવર્તન શક્ય બનશે. ગુજરાતી કેળવણી પરિષદ (કચ્છ શાખા) માંડવીની વીઆરટીઆઇના નેજા હેઠળ કાર્યરત થઇ છે. વીઆરટીઆઇ માંડવી અને માનસી-બિદડાના સંયુકત ઉપક્રમે યોજાયેલા શિક્ષણ વિમર્શ કાર્યક્રમમાં ગુજરાતી કેળવણી પરિષદ અમદાવાદ દ્વારા કચ્છ કેન્દ્રને મંજૂરી બાદ ખુલ્લું મુકાયું હતું. કચ્છ કેન્દ્રના શિલ્પી ગોરધન પટેલ `કવિ એ વિશાળ પ્રદેશની અપેક્ષાઓ સંતોષવા સતત સેવારત સંસ્થાના સહયોગથી આ કાર્ય શક્ય બન્યાની કબૂલાત કરતાં કહ્યું કે, કચ્છ માટે આજથી નવી દિશા ખૂલી છે. ઉદ્ઘાટન કાર્યક્રમના પ્રારંભે કચ્છના કેળવણીકારોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. પ્રમુખ શ્રી સલ્લાએ દેશની આઝાદી પહેલાં કેળવણી માટેના પ્રયાસોની જાણકારી આપતી પરિષદની રચના અને કાર્યોની આછેરી ઝલક આપી નવી દિશાઓની માહિતી આપી હતી. ભોજાય સર્વોદય ટ્રસ્ટ અને માનસી-બિદડા સાથે સેવારત લીલાધર માણેક ગડા `અધા;એ આ અવસરે રાજાશાહીના સમયમાં કચ્છની નામાંકિત પિંગળ પાઠશાળાની જાણકારી આપી કચ્છમાં સંસ્કૃતિનો અમૂલ્ય વારસો જળવાયો હોવાની ખુશી વ્યકત કરી હતી. વિવિધ વકતાઓએ કચ્છ કેન્દ્રને આવકારી શિક્ષણ માટેના પ્રયાસ બિરદાવ્યા હતા. સમિતિના માર્ગદર્શક રમેશભાઇ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યવાહક સમિતિના ડો. કાંતિભાઇ ગોર (કચ્છ યુનિ.ના પ્રથમ કુલપતિ), હરેશ?ધોળકિયા (કેળવણીકાર), રસનિધિ અંતાણી, ભારતીબેન ગોર, જાગૃતિ વકીલ, રમેશ રોશિયાએ આયોજન અને વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન વિષ્ણુ ગોરે, જ્યારે આભારવિધિ વીઆરટીઆઇના નિયામક માવજી બારૈયાએ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer