જમીન લોનના મામલામાં કોટન કિંગની જામીન અરજી જિલ્લા કોર્ટમાં નામંજૂર

ભુજ, તા. 12 : જમીન ઉપરની લોનના કૌભાંડની અમદાવાદ-દહેગામ વિસ્તારની ફરિયાદના અનુસંધાને ધરપકડ કરાયેલા ભદ્રેશ એગ્રો નિગમ લિમિટેડના ભદ્રેશ વસંતરાય મહેતાના જામીન ગાંધીનગર જિલ્લા અદાલતે નામંજૂર કર્યા હતા, તો બીજી બાજુ આ કોટન કિંગના પુત્ર સામે કોઇ જ કાર્યવાહી હાલતુરત હાથ ન ધરવી તેવો આદેશ રાજ્યની વડી અદાલત દ્વારા આગામી તા. 18મી સુધી લંબાવવામાં આવ્યો હતો. ધરપકડ બાદ તપાસનીશ એજન્સી સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા મેળવાયેલા બે દિનના રિમાન્ડ પૂર્ણ થયા પછી આરોપી ભદ્રેશ મહેતા હાલે જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જિલ્લા જેલમાં છે, જ્યાં તેમની તબિયત પુન: બગડતાં તેમને આ જેલની હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર તળે રખાયા છે. આ ફોજદારી કેસમાં તેમના માટે મુકાયેલી જામીન અરજીની સુનાવણી પૂર્ણ થયા બાદ ગઇકાલે ગાંધીનગર જિલ્લા અદાલતે જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ પછી જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. દરમ્યાન, ભદ્રેશ મહેતાના પુત્ર પાર્થ સામે આ કેસને લઇને હાલતુરત તપાસનીશો કોઇ જ કાર્યવાહી ન કરે તેવો આદેશ રાજ્યની વડી અદાલતે આગામી તા. 18મી સુધી લંબાવતો આદેશ કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer