કંડલામાં ભરતીના પાણીમાં ન્હાવા જતાં ચાર બાળક ડૂબ્યાં : એકનું થયેલું મોત

કંડલામાં ભરતીના પાણીમાં ન્હાવા જતાં  ચાર બાળક ડૂબ્યાં : એકનું થયેલું મોત
ગાંધીધામ, તા. 12 : બંદરીય કંડલામાં ભરતીના પાણીમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબ્યા હતા જે પૈકી એક 10 વર્ષીય બાળક જુનેદ જાદુર આલમ મૂળ બિહાર હાલે સરવા લેબર કોલોની કંડલાનું તત્કાળ મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ બાળકી બચી ગઇ હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ અકસ્માત મોતનો આ બનાવ આજે બપોરે 3.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. ત્રણ બાળકી અને હતભાગી બાળક ભરતીના પાણીમાં ન્હાવા પડયા હતા. આ દરમ્યાન ચારેય બાળકો ડૂબવા લાગ્યા હતા. આસપાસના રહેવાસીઓનું ધ્યાન જતાં ચારેયને બચાવવા પ્રયાસ કરાયો હતો પરંતુ જુનેદનું તત્કાળ મોત નીપજ્યું હતું જ્યારે ખુશનવી મોહમદ જર (ઉ.વ. 9), સૂફી મહમદ જર (ઉ.વ. 6) અને આફરીન (ઉ.વ. 7)ને બચાવી લેવાઇ હતી. બચી ગયેલી ત્રણેય બાળકીઓને સારવાર માટે ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. શરૂઆતમાં ત્રણેય બાળકીની હાલત ગંભીર હતી પરંતુ સારવાર બાદ સુધારો આવ્યો હતો અને તાકીદની સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. હતભાગી જુનેદ તેમજ બાળકીઓ ખુશનુબી અને સૂફીએ એક મહિનાના રોજા રાખ્યા હતા. રમજાન મહિનામાં બાળકના મોતના બનાવથી મુસ્લિમ સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. બનાવને પગલે મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમા રામબાગ હોસ્પિટલ ખાતે પહોંચી મદદરૂપ થયા હતા. બાળકીઓને તાત્કાલિક વાહનમાં લઇ અવાતાં સમયસર સારવાર મળી ગઇ હતી. હતભાગી જુનેદ મામા પાસે હતો. તેના માતા-પિતા બિહાર ગયા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer