નખત્રાણાની ભાગોળે ટ્રકની હડફેટે સ્કૂટરના ચાલક પેઈન્ટરનું મૃત્યુ

નખત્રાણાની ભાગોળે ટ્રકની હડફેટે  સ્કૂટરના ચાલક પેઈન્ટરનું મૃત્યુ
નખત્રાણા, તા. 12 (પ્રતિનિધિ દ્વારા) : આ નગરની ભાગોળે કોટડા (જડોદર) તરફના માર્ગે સંતકૃપા હોટલ નજીક પૂરપાટ જઇ રહેલી ટ્રકની હડફેટમાં હોન્ડા એક્ટિવા સ્કૂટર આવી જતાં આ દ્વિચક્રીના ચાલક વ્યવસાયે પેઈન્ટર એવા નખત્રાણાના નવાનગર ખાતે રહેતા 51 વર્ષની વયના ધનજીભાઇ લખુ તૂરી (બારોટ)નું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું. ટ્રકો ઉપર અને દીવાલો ઉપર તથા અન્ય પ્રકારનું પેઇન્ટિંગ કામ કરી રહેલા ધનજીભાઇ તૂરી આજે સવારે સંતકૃપા હોટલ નજીક ટ્રક ઉપર મોર ચીતરવાનું કામ કરી રહ્યા હતા તે દરમ્યાન કોઇ કામ પડતાં એક્ટિવાથી જવા નીકળ્યા પછી કોટડા તરફથી આવી રહેલી ટ્રક હેઠળ તેમને આ અકસ્માત નડયો હતો. પોલીસે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રૌઢ વયના આ પેઇન્ટરને 108 મારફતે સામૂહિ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા, પણ સારવાર નસીબ થાય તે પહેલાં જ તેમનો જીવનદીપ બુઝાઇ ગયો હતો. પોલીસે જી.જે. 12 એ.ડબલ્યુ. 9775 નંબરની ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. જીવલેણ અકસ્માતની આ ઘટનાથી અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ છે. સદ્ગતની સ્મશાન યાત્રામાં વિવિધ સમાજના લોકો જોડાયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer