આજે ભુજમાં દલિત અધિકાર મંચનાં કાર્યક્રમ સ્થળ મુદ્દે વિવાદ

ભુજ, તા. 12 : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કાલે 13મીએ મંચના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના લોકસંવાદનો કાર્યક્રમ ભુજમાં જે સ્થળે થવાનો છે એ સ્થળની મંજૂરીના મુદ્દે વિવાદ સર્જાયો છે. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ભુજમાં હોસ્પિટલ રોડ ખાતે આવેલા ડો. આંબેડકર ભવનના હોલ ખાતે લોકસંવાદ માટે સ્થળ નક્કી કરાયું હતું પરંતુ મંચને કાર્યક્રમ માટે સમાજ કલ્યાણ વિભાગે છેલ્લી ઘડીએ પરવાનગી નહીં આપીને વિવાદ છેડયો છે. આ અંગે મંચના જિલ્લાના કન્વીનર નરેશ મહેશ્વરીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, અમે જ્યારે અરજી આપી ત્યારે અરજી લઇ લેવામાં આવી અને ચલણ ભરવાની ના પાડવામાં આવી હતી. આજે અચાનક અમને ના પાડી દઇને ભાજપ દ્વારા સમરસતાનો કાર્યક્રમ યોજવાનો છે તેને ભાડે દેવામાં આવ્યો હોવાની જાણકારી અપાઇ છે. આ તો કિન્નાખોરી છે એવું કહ્યું હતું. તેમણે કહ્યું કે, હવે અમે કાલે એ જ સ્થળે લોકસંવાદ કરીશું. ધારાસભ્ય શ્રી મેવાણી પણ હાજર રહેશે. વળી આવનારા દિવસોમાં અમે સાંસદ અને ભાજપના તમામ કાર્યક્રમોનો કાળા વાવટા દર્શાવી વિરોધ પણ કરીશું એવું તેમણે કહ્યું હતું. બીજીબાજુ આ કાર્યક્રમ માટે આંબેડકર ભવન સાંસદ વિનોદ ચાવડાને અપાયું હોવાની વાત આવતાં તેમનો સંપર્ક સાધતાં શ્રી ચાવડાએ કહ્યું કે, મને કોઇ ખબર પણ નથી. હું જાણતો નથી ને કાર્યક્રમમાં પણ જવાનો નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer