કચ્છના છ શહેરો હવે રાજકોટ ઝોન હેઠળ

ભુજ, તા. 12 : રાજ્ય સરકારે હવે શહેરોના વિકાસ અને બિલ્ડિંગ વગેરેના પ્લાનને ઓનલાઇન વ્યવસ્થા અમલમાં મૂકીને છ ઝોન પાડી રાજ્યમાં અલગ-અલગ રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી હેઠળ આવરી લેવાનો નિર્ણય કર્યો છે જેમાં કચ્છનો રાજકોટ ઝોનમાં સમાવેશ કરી કચ્છના ભુજ સહિત ગાંધીધામ, અંજાર, રાપર, ભચાઉ અને માંડવી શહેરને સાંકળી લેવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હોવાથી એકંદરે લેવાતા નિર્ણયના સ્થાનિકે પાંખો કાપી લેવામાં આવી છે. શહેરના વિકાસના કામો માટે કચ્છની નગરપાલિકાઓ તથા શહેર વિસ્તાર વિકાસ સત્તામંડળો દ્વારા અપાતી મંજૂરીઓ હવે રાજકોટ ખાતેથી લેવાની રહેશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ વિકાસ કામો માટે વહીવટી તેમજ ગ્રાન્ટની મંજૂરી રાજકોટ ખાતે પ્રાદેશિક કમિશનર કચેરી નગરપાલિકાઓ તથા વિસ્તાર વિકાસ સત્તામંડળોમાંથી લેવાની રહેશે. સરકાર દ્વારા રાજ્યમાં છ ઝોન મુજબ ભાગ પાડવામાં આવ્યા છે જેમાં રાજકોટ અને કચ્છમાં કામોની મંજૂરીઓ તથા ગ્રાન્ટ રાજકોટ સ્થિત કચેરીએથી પાસ કરાવવાની રહેશે. આ કચેરીમાં પ્રદેશિક કમિશનર ત્યારબાદ અધિક કલેકટર, કલાસ વન ચિફ ઓફિસર ટાઉન પ્લાનર કામગીરી પાર પાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ ખાતે કલેકટર કચેરી સ્થિત ડી.એમ.ઓ. (ડુડા કચેરી) હવે અહીંથી નીકળી જશે અને આ કચેરીના તમામ રેકર્ડ આગામી 15મી સુધી રાજકોટ ખાતે જશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. જો કે આ અંગે સત્તાવાર હકીકત જાણવા કચ્છના કલેક્ટર રેમ્યા મોહનનો સંપર્ક સાધતાં તેમણે પણ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકારે આ નિર્ણય લીધો છે જેમાં કચ્છ એ રાજકોટ ઝોનમાં રહેશે. અરજદારોને ધક્કા ન પડે એ માટે ઓનલાઇન વ્યવસ્થા જે સરકારે અમલમાં મૂકી છે જેના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. રિજિયોનલ કમિશનરની કચેરી રાજકોટ હશે. કચ્છના છ શહેરના કમિશનર  સનદી અધિકારી રહેશે. પ્રથમ તબક્કે રાજકોટમાં કમિશનર પદે ગૌરાંગ મકવાણાને મૂકવામાં આવ્યા છે. રિજિયોનલ કમિશનરની જગ્યા રાજ્યમાં નવી અને પ્રથમ છે એમ કહેતાં કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, કલબ 258 હેઠળ જે અપીલ કલેક્ટરને કરવામાં આવતી અથવા ઠરાવ સામેના વાંધા વગેરે લેવાતા હતા આ 258 કલમ પણ હવે રિજિયોનલ કમિશનર સમક્ષ અપીલ થશે, કલેક્ટર સમક્ષ થશે નહીં. આ નિર્ણયથી મુશ્કેલી વધશે આ સવાલ સામે તેમણે કહ્યું કે, થોડો સમય લાગશે પછી બધુ સરળ થઇ જશે અને આ માટે ભુજમાં હાલમાં તાલીમ પણ અપાઇ ચૂકી છે. તો શહેરોના સત્તા મંડળના ચેરમેનની નિમણૂકને આ નિર્ણયથી અસર થાય એ સવાલ સામે તેમણે કહ્યું હતું કે, હજુ એવી કોઇ ચર્ચા નથી. હવે નક્કી થશે તેવી તેમણે સ્પષ્ટતા કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer