અંજારમાં સ્ટ્રીટ લાઇટનો ઠેકો અપાયા પછી પણ અંધારપટ

અંજાર, તા. 12 : અહીંની નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના આપેલા ખાનગી કોન્ટ્રેકટથી લોકો ત્રસ્ત બન્યા છે. અનેક વિસ્તારોમાં રાત્રિના સમયે છવાતો અંધારપટ અને અધિકારીઓને પણ દાદ મળતી નથી તેવી ફરિયાદ ઊઠી છે. શહેરમાં રાત્રિના સમયે અંધારપટ ન છવાય અને લોકોને સુવિધા ઉપલબ્ધ બને તે માટે સ્ટ્રીટલાઇટની મરંમત અને રખરખાવનો ખાનગી કોન્ટ્રેકટ આપવામાં આવ્યો છે, પરંતુ હાલમાં ઊલટું ચિત્ર થયું છે. શહેરમાં અગાઉ કરતાં પણ સ્ટ્રીટ લાઇટોની સમસ્યા વધી હોવાનું લોકો જણાવી રહ્યા છે. નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ હોવાનો આક્ષેપ તાલુકા કોલી ઠાકોર યુવા વિકાસ મંડળના પ્રમુખ ભરત લાખાએ મુખ્ય અધિકારીને લખેલા પત્રમાં કર્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ પૂરી સુવિધા ઉપલબ્ધ બનતી નથી. નગરપાલિકાના લાઇટ વિભાગમાં કર્મચારીઓ કાર્યરત હોવા છતાં પણ શહેરની સ્ટ્રીટ લાઇટો માટે ખાનગી કોન્ટ્રેકટ આપવામાં આવ્યો છે. જે તે સમયે શહેરીજનોએ પૂર્ણ સુવિધા મળે અને નગરપાલિકાને પણ આર્થિક ફાયદો થાય તેવા હેતુથી ખાનગી કંપનીને કોન્ટ્રેકટ આપવામાં આવ્યો હતો. હાલમાં ચેઈન ઝડપ અને ચોરીના બનાવ બનતા રહે છે. લેખિત-મૌખિક ફરિયાદ કરી છે, છતાંય કોઇ અધિકારીઓ દાદ નથી દેતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer