જિલ્લા પંચાયત હસ્તકના દવાખાનાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે બેઠક મળી

ભુજ, તા. 12 : જિલ્લામાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલોમાં તબીબોની જગ્યાઓ ખાલી છે તે ભરવા માટે નેશનલ હેલ્થ મિશન દ્વારા વિશેષ પગાર એક લાખ એંસી હજારથી બે લાખ પચાસ હજાર નક્કી કરવામાં આવ્યો છે. જે અન્વયે જિલ્લામાં ગાંધીધામ અને માંડવી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર/રેફરલ હોસ્પિટલમાં મુંદરા, નખત્રાણા, રાપર, ભચાઉ, ખાવડામાં આ જગ્યાઓ ભરવાની છે. ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશન, રેડિયોલોજિસ્ટ, એનેસ્થેસિયાલોજિસ્ટ, ઓર્થોપેડિક, ફિઝિશિયન, સાઈકિયાટ્રિસની જગ્યા ભરાય તે હેતુસર રેસિડેન્ટ તબીબો સરકારી સેવાઓમાં જોડાય એ માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ ભુજ મેડિકલ કોલેજના સ્ટુડન્ટો પાસે ચર્ચા કરી અભિપ્રાયો મેળવ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. ભુજ મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવએ પણ ચર્ચા કરી મેડિકલ સ્ટુડન્ટોને માર્ગદર્શન અને સરકારી સેવાઓમાં જોડાવવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો. ગુરુદાસ ખિલનાની, અદાણી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. એન.એન. ભાદરકા, સિવિલ સર્જન ડો. જિજ્ઞા ઉપાધ્યાય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.કે. ભાર્ગવ ઉપસ્થિત રહ્યા હતા તેવું ડો. પંકજ પાંડે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત કચ્છ-ભુજની યાદીમાં જણાવાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer