હોકી ખેલાડીઓને `સાઇ''માં કીડાવાળું ભોજન મળતું હોવાની ફરિયાદ

નવી દિલ્હી, તા. 12 : ભારતીય પુરુષ હોકી ટીમના હેડ કોચ હરેન્દ્રસિંહની ફરિયાદ ધ્યાન પર લઇને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)એ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોચ હરેન્દ્રસિંહની ફરિયાદ હતી કે એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપ માટે સાઇમાં તૈયારી કરી રહેલા ભારતીય હોકી ટીમના ખેલાડીઓને યોગ્ય અને પોષ્ટિક ભોજન મળી રહ્યંy નથી. તેમણે એમ જણાવ્યું હતું કે, સાઇના ભોજનની કવોલિટી અને હાઇજીનને લઇને ચિંતિત છીએ. ખેલાડીઓના ભોજનમાં કીડા-મકોડા અને વાળ નીકળે છે. ખેલાડીઓને પર્યાપ્ત માત્રામાં વિટામિન અને પ્રોટીનવાળો ખોરાક મળતો નથી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે માર્ચમાં ખેલમંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડે સાઇની મુલકાત દરમિયાન ભોજનમાં હાઇજીનમાં સુધારો કરવા પર ભાર મુકયો હતો. હોકી કોચની ફરિયાદ બાદ સાઇના મહાનિર્દેશકે જે-તે અધિકારી સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને સખત નિર્દેશ આપીને સમીક્ષા કરી હતી. આ મામલે જવાબદાર લોકો પર કાર્યવાહી થશે. હોકી કોચ હરેન્દ્રસિંહે હોકી ઇન્ડિયાના પ્રમુખ રાજિંદરસિંહને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે બેંગ્લોરના સાઇના સેન્ટરમાં ખેલાડીઓને અપાતા ખોરાકની કવોલિટી બહુ ખરાબ છે. રસોડાની સફાઇ થતી નથી. ખાવામાં કીડા-મકોડા અને વાળ પણ નીકળે છે. આ મામલે હવે સાઇ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer