કોટડા (આથમણા) ગ્રામસભામાં સરપંચ પર હુમલા સાથે આવ્યો હિંસક વળાંક

ભુજ, તા. 12 : તાલુકાના કોટડા (આથમણા) ગામે આજે યોજાયેલી ગ્રામસભા જૂથ પંચાયતના સરપંચ કાનજી (શંભુ) જગમાલ રબારી (ઉ.વ. 28) ઉપર હુમલા સાથે હિંસક બની હતી. સરપંચને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોટડા ગામે લક્ષ્મીનારાયણ મંદિરના ચોકમાં આજે સાંજે યોજાયેલી જૂથ પંચાયતની સભામાં આ ડખો થયો હતો. ચૂંટણીનું મનદુ:ખ રાખીને મૂરા વંકા રબારી, જેશા વેલા રબારી, પચાણ વેલા રબારી અને સમીર વેલા રબારી સહિતના દશેક જણે ધોકા અને હાથો વડે હુમલો કરીને સરપંચ કાનજીભાઇ રબારીને મોઢા અને છાતીમાં ઇજા કરી હતી તેવું પોલીસ સમક્ષ લખાવાયું છે. ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સરપંચ પાસે જઇને પદ્ધર પોલીસે બનાવ વિશે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે જૂથ પંચાયત તળે આવતાં ગામોમાં ચકચાર જગાવી છે. દરમ્યાન, જાણવા મળતી વિગતો અનુસાર, ભોગ બનનારા સરપંચ ઉપર આ અગાઉ ત્રણેક વખત હુમલા થઇ ચૂક્યા છે. એક વખત તો ધારાસભ્યની હાજરીમાં હુમલાની ઘટના બની હતી. અલબત્ત, અગાઉના કોઇ કિસ્સા દફ્તરે ચડયા ન હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer