નખત્રાણા તાલુકામાં નવ પવનચક્કી તસ્કરોના નિશાને : 2.40 લાખનો તાંબાનો અર્થિંગ વાયર ચોરાયો

ભુજ, તા. 12 : નખત્રાણા તાલુકાના રામપર (સરવા) ગામે વાયરની ચોરી કરનારા બે શખ્સ પકડાયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા એકબાજુ આ બન્ને તહોમતદારને નખત્રાણા પોલીસના હવાલે કરાયા છે. તો બીજીબાજુ નખત્રાણા તાલુકામાં અલગઅલગ ત્રણ ગામના સીમાડામાં પવનચકકીને નિશાન બનાવાયાની જુદી જુદી નવ ફોજદારી ફરિયાદ પોલીસ દફતરે ચડી છે. અલબત પકડાયેલા બે જણ સાથે આ નવ તસ્કરીને કોઇ સંબંધ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. બહાર આવેલી વિગતો અનુસાર રતડિયા ગામની સીમમાં ચાર, લક્ષ્મીપર (નેત્રા) ગામે બે અને મોરાય ગામની સીમમાં ત્રણ સ્થળે પવનચકકી તૂટયાની કુલ્લ નવ ફરિયાદ ઉખેડા ગામના ધર્મેન્દ્રાસિંહ ખેંગારજી સરવૈયા દ્વારા લખાવાઇ છે. તસ્કરોનું નિશાન બનેલી આ તમામ નવ પવનચકકી વિન્ડ વર્ડ ઇન્ડીઆ લિમિટેડની હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસ સાધનોએ આપેલી આ અંગેની માહિતી મુજબ રતડિયા ગામની સીમમાં 106 નંબરની પવનચકકીનો દરવાજો તોડી રૂા. 35 હજારનો તાંબાનો અર્થિંગ વાયર, 104 નંબરની પવનચકકી ખાતે પણ આ જ રીતે રૂા. 35 હજારનો 90 મીટર વાયર અને 100 નંબરની પવનચકકીમાંથી પણ આ જ ઢબે રૂા. 35 હજારનો 90 મીટર તાંબાનો અર્થિંગ વાયર તથા 98 નંબરની પવનચકકીને તોડી તેમાંથી રૂા. 17500નો 45 મીટર વાયર ચોરી જવાયો હતો. આ ચારેય ફરિયાદ પૈકી ત્રણ કિસ્સામાં શકદાર આરોપી તરીકે જી.જે.12-બી.વી.- 4810 નંબરની બોલેરો કેમ્પરના ચાલકને બતાવાયો છે. બીજીબાજુ લક્ષ્મીપર (નેત્રા)ના સીમાડામાં બે પવનચકકી તૂટી છે. જેમાં 65 નંબરની પવનચકકીમાંથી રૂા. 22 હજારની કિંમતનો 54 મીટર તથા 268 નંબરની પવનચકકી ખાતેથી રૂા. 20 હજારનો 50 મીટર અર્થિંગ કોપર વાયર તફડાવી જવાયો હતો. જયારે ઉખેડા ગામની સીમમાં આવી ત્રણ ચોરી થવા વિશે વિધિવત ફરિયાદ લખાવાઇ છે. બાવન નંબરની પવનચકકી ખાતેથી રૂા. 25 હજારના 54 મીટર, 53 નંબરની પવનચકકી ખાતેથી રૂા. 25 હજારનો 60 મીટર તથા 54 નંબરની પવનચકકીમાંથી રૂા. 25 હજારનો 60 મીટર અર્થિંગ વાયર કાપીને ચોરી જવાયો હતો. આ તમામ નવ ચોરીમાં કુલ્લ રૂા. 2,39,500ની કિંમતનો વાયર ચોરી જવાયાનું ફરિયાદમાં લખાવાયું છે. તમામ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ સવાભાઇ વાઘેલાને સોંપાઇ છે. તેમનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ નવ ચોરીને ગઇકાલે એલ.સી.બી.એ પકડેલા અને નખત્રાણા પોલીસને સુપરત કરેલા આરોપીઓ સાથે કોઇ સંબંધ નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer